સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં જનતાની સેવા પ્રત્યે બેદરકારી દાખવતા કર્મચારીઓ સામે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. મહેસાણાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાજેતરમાં જ જુદા જુદા આરોગ્ય કેન્દ્રો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીના આ અચાનક સપાટાથી ફરજમાં બેદરકારી દાખવતા અને કચેરીએ મોડા આવતા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

 ટીમ જ્યારે તપાસ માટે પહોંચી


મળતી માહિતી મુજબ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે ઓફિસના વાસ્તવિક દ્રશ્યો સામે આવ્યા હતા. આકસ્મિક ચેકિંગ દરમિયાન કુલ 45 અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર પોતાની ફરજ પર હાજર મળી આવ્યા હતા.

4 કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા


પરંતુ, નિયત સમય વીતી ગયો હોવા છતાં 8 કર્મચારીઓ કચેરીએ મોડા પહોંચ્યા હતા, જ્યારે 4 કર્મચારીઓ કોઈપણ પૂર્વ મંજૂરી વગર તદ્દન ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું. આમ, કુલ 12 કર્મચારીઓ શિસ્તભંગના દાયરામાં ઝડપાયા છે.

કારણ દર્શક નોટિસ ફટકારાઇ


આ ગંભીર બેદરકારીને પગલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્થળ પર જ એક્શન મોડમાં આવીને મોડા આવનારા અને ગેરહાજર રહેનારા તમામ કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારવાના આદેશ આપ્યા છે. આ સાથે જ સંબંધિત તાલુકા આરોગ્ય અધિકારીને આવા આળસુ કર્મચારીઓ સામે નિયમોનુસાર કડક પગલાં લેવા માટે લેખિત સૂચના આપી દેવામાં આવી છે.

આળસ કે બેદરકારી સહેજ પણ ચલાવી લેવાશે નહીં


આરોગ્ય વિભાગે કડક શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું છે કે, "પ્રજાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આરોગ્ય સેવાઓમાં કોઈપણ પ્રકારની આળસ કે બેદરકારી સહેજ પણ ચલાવી લેવાશે નહીં." જનતાને સમયસર અને ગુણવત્તાસભર તબીબી સેવાઓ મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની સરપ્રાઈઝ વિઝીટ ચાલુ રાખવામાં આવશે, જેથી તમામ સ્ટાફ સમયસર હાજર રહીને પોતાની ફરજ નિભાવે. 

  • Follow us on: