મહેસાણા જિલ્લાના ઉનાવા નજીક ખાતરના અનધિકૃત જથ્થાનો મોટો પર્દાફાશ થયો છે. જિલ્લા વહીવટી તંત્ર અને મામલતદાર સહિતની ટીમે ગણેશ એગ્રો નામના ગોડાઉન પર દરોડા પાડતાં અંદાજે 2,500 જેટલી યુરિયા ખાતરની થેલીઓનો જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉનમાંથી વિવિધ પ્રખ્યાત કંપનીઓની ખાલી બેગો, પેકિંગ મશીન અને અન્ય સામગ્રી પણ મળી આવતાં તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
ગણેશ એગ્રોના ગોડાઉનમાંથી યુરિયાનો જથ્થો ઝડપાયો
ઉનાવા નજીક આવેલા ગણેશ એગ્રોના ગોડાઉનમાં અનધિકૃત રીતે યુરિયા ખાતરનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની વિગતો સામે આવ્યા બાદ જિલ્લા વહીવટી તંત્રએ કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન અંદાજે 2,500 જેટલી થેલીઓ મળી આવી હતી. તંત્ર દ્વારા આ તમામ જથ્થાને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રખ્યાત કંપનીઓની ખાલી બેગો મળી આવી
ગોડાઉનમાં તપાસ દરમિયાન યુરિયા ખાતરની સાથે જીએનએફસી, ક્રિભકો, ઇફકો અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ જેવી કંપનીઓનાં નામ ધરાવતી ખાલી બેગો પણ મળી આવી હતી. આ ઉપરાંત ખાતરના પેકિંગ માટે વપરાતું મશીન અને અન્ય સામગ્રી પણ મળી આવતાં તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
ખાનગી કંપનીઓમાં વપરાશ થતો હોવાની આશંકા
પ્રાથમિક તપાસમાં આ યુરિયા ખાતરનો ઉપયોગ ખાનગી કંપનીઓ દ્વારા થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ખાતર ક્યાંથી લાવવામાં આવતું હતું, તેનું પેકિંગ ક્યાં થતું હતું અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવતો હતો તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે.
ખાતરના નમૂના લેવાની કામગીરી શરૂ
ગોડાઉનમાંથી ઝડપાયેલા ખાતરના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મામલતદાર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે. ખાતરના જથ્થા અને પેકિંગ સામગ્રી અંગેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ સમગ્ર નેટવર્ક અંગે વધુ હકીકતો સામે આવશે.
આ પણ વાંચો : Explainer : અમેરિકામાં ડેમોક્રેટ્સની સરસાઈથી ટ્રમ્પ સામે 5 મોટા પડકાર, ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો, ભારતને શું અસર ?