ચોમાસાની સિઝન શરૂ થવા છતાં મધ્ય ગુજરાત સહિત રાજ્યના અનેક પંથકોમાં વરસાદ ખેંચાતા જળસંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. મહીસાગર જિલ્લાની જીવાદોરી અને આસપાસના અનેક જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ સમાન કડાણા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવાનો એક મોટો અને કપરો નિર્ણય સિંચાઈ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

કડાણા ડેમમાંથી પાણી છોડવાનું બંધ

ચોમાસાના પ્રારંભિક રાઉન્ડ બાદ મેઘરાજાએ લાંબો વિરામ લેતાં ડેમમાં પાણીની નવી આવક તદ્દન ઘટી ગઈ છે કે નહિવત થઈ ગઈ છે. વર્તમાન સ્થિતિએ કડાણા ડેમમાં માત્ર 41 ટકા જેટલો જ લાઈવ સ્ટોરેજ જથ્થો બચ્યો છે, અને ડેમની જળસપાટી 389 ફૂટે પહોંચી ગઈ છે. જો આ સ્થિતિમાં પણ સતત પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવે, તો ભવિષ્યમાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ શકે છે. આ બાબતને ગંભીરતાથી લઈને તંત્ર દ્વારા ડેમ આધારિત પાવર પ્રોજેક્ટ અને ખેતી માટે અપાતું સિંચાઈનું પાણી રોકી દેવામાં આવ્યું છે.

ખેડા જિલ્લાના ખેડૂતો ભારે મુંઝવણમાં મૂકાયા

આ નિર્ણયના ભાગરૂપે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ભરાતી કેનાલો, જમણા કાંઠાની મુખ્ય નહેર તેમજ મહી નદીના પટમાં છોડાતું પાણી તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયું છે. કડાણાની સાથે સાથે ભાદર ડેમમાંથી પણ સિંચાઈનું પાણી બંધ કરવાનો આદેશ જારી કરાયો છે. વરસાદ ખેંચાવાના કારણે એકતરફ ઊભા પાકને પાણીની જરૂર છે, ત્યારે જ સિંચાઈનું પાણી બંધ થતાં મહીસાગર, પંચમહાલ અને ખેડા જિલ્લાના ખેડૂતો ભારે મુંઝવણમાં મૂકાયા છે. હવે જો આગામી દિવસોમાં સારો વરસાદ ન થાય, તો કૃષિ પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો:  Dahod: ઝાલોદના અનવરપુરા ગામે માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી