મહીસાગર જિલ્લામાંથી ખેડૂતોના અધિકારો અને જમીન સંપાદન સામે ઉગ્ર વિરોધના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં સૂચિત બાયપાસ રોડના નિર્માણ માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી જમીન સંપાદનની પ્રક્રિયા સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે લુણાવાડા નજીક મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો એકઠા થયા હતા અને વહીવટી તંત્રની નીતિઓ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.
યોગ્ય વળતર વગર પ્રક્રિયા આગળ ન વધારવા કલેક્ટરને સોંપાઈ વાંધા અરજી
ખેડૂતોના જણાવ્યા અનુસાર, વહીવટી તંત્ર અને જમીન સંપાદન અધિકારીઓ દ્વારા સ્થાનિક ખેડૂતોને સાંભળ્યા વિના જ વળતરના ભાવો બારોબાર નક્કી કરી દેવામાં આવ્યા છે. આ મનસ્વી પ્રક્રિયા સામે સ્પષ્ટ વાંધો ઉઠાવતા ખેડૂત સંગઠનો અને અસરગ્રસ્તોએ જિલ્લા કલેક્ટર તેમજ જમીન સંપાદન અધિકારીને એક વિસ્તૃત વાંધા અરજી સુપ્રત કરી છે. ખેડૂતોએ માગ કરી છે કે, જ્યાં સુધી યોગ્ય અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સંપાદનની કામગીરી આગળ વધારવી નહીં.

ટૂંકી જમીનવાળા ખેડૂતો જમીનવિહોણા બનવાની ભીતિ
વિરોધ કરી રહેલા ખેડૂતોએ પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ઘણા ખેડૂતો પાસે ખૂબ જ ટૂંકી જમીન છે. જો બાયપાસ રોડમાં તેમની જમીન જતી રહેશે, તો તેઓ સંપૂર્ણપણે જમીનવિહોણા બની જશે અને ભવિષ્યમાં ખેડૂત તરીકેનું તેમનું અસ્તિત્વ જ જોખમાઈ જશે. આ પરિસ્થિતિ બચાવવા માટે ખેડૂતોએ વૈકલ્પિક સૂચન આપતા માગ કરી છે કે, કિંમતી ખેતીની જમીનો બગાડવાને બદલે બાયપાસની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવે જેથી જમીન બચી શકે.

વર્તમાન બજાર ભાવ મુજબ વળતર આપવા રજૂઆત
ખેડૂતોની મુખ્ય માંગણી છે કે, જમીનનું વળતર હાલની જમીનના વર્તમાન બજાર ભાવ મુજબ જ મળવું જોઈએ. જો સરકાર ગરીબ ખેડૂતોને સાંભળ્યા વગર અને યોગ્ય વળતર આપ્યા વગર જમીન સંપાદનની કામગીરી જબરદસ્તીથી આગળ વધારશે, તો આગામી દિવસોમાં તમામ ખેડૂતો ભેગા મળીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેવી સ્પષ્ટ ચીમકી વહીવટી તંત્રને આપવામાં આવી છે.
આ પણ વાંચો - Mahisagar News: CDMOની સરપ્રાઈઝ વિઝિટમાં સ્ટાફની બેદરકારી સામે આવી, બે ડોક્ટરોને નોટિસ