મહીસાગર જિલ્લામાંથી સંબંધોને તાર-તાર કરતી ક્રાઈમ ઘટના સામે આવી છે. જ્યાં માત્ર જમીનના એક ટુકડાના વિવાદમાં લોહીના સંબંધો એવા તો એળે ગયા કે કાકાએ પોતાના જ સગા ભત્રીજાની ઘાતકી હત્યા કરી નાખી છે. આ લોહીયાળ ખેલને પગલે ગ્રામ્ય પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે.
ગોધર તાલુકાના ધામોદ ગામે બની ઘટના
મળતી માહિતી મુજબ, આ ચકચારી ઘટના મહીસાગર જિલ્લાના ગોધર તાલુકા હેઠળ આવતા ધામોદના મોહિલા ગામમાં બની છે. ગામમાં રહેતા કાકા અને ભત્રીજા વચ્ચે છેલ્લા લાંબા સમયથી જમીનની માલિકી અને સરહદને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો હતો. આ બાબતને લઈને બંને પરિવારો વચ્ચે અવારનવાર ઝઘડા અને બોલાચાલી પણ થતી હતી. દરમિયાન, આ વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા કાકાએ આવેશમાં આવી ભત્રીજા પર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં ભત્રીજાનું મોત નીપજ્યું હતું.
સંતરામપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ
હત્યાની આ ઘટના અંગે ગ્રામજનો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા સંતરામપુર પોલીસ મથકનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે એટલે કે ધામોદના મોહિલા ગામે દોડી ગયો હતો. પોલીસે ગુના વાળી જગ્યાનું બારીકાઈથી નિરીક્ષણ કરી કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદાકીય પંચનામું કર્યા બાદ મૃતક ભત્રીજાના શવને પોસ્ટ મોર્ટમ અર્થે તાત્કાલિક સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હત્યા કયા હથિયારથી અને કેવી રીતે કરવામાં આવી તેની સત્તાવાર વિગતો બહાર આવશે.
આરોપી કાકાને પકડવા પોલીસની કવાયત
જમીનના વિવાદમાં ભત્રીજાની હત્યા કરીને આરોપી કાકા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. સંતરામપુર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપી કાકાને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસ આસપાસના લોકો અને પરિવારજનોની પણ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો - Mahisagar News: દારૂની બાતમીની શંકા રાખી કોલેજના પ્રોફેસરને PI વિલમ ઘોરડાએ માર માર્યો હોવાનો આક્ષેપ