મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. લુણાવાડાના વિરણીયા ઉંદરા ગામમાં આવેલા એક કૂવામાંથી એક દંપતીના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી જવા પામી છે. સવારના સમયે કૂવામાં મૃતદેહ હોવાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નાના ગામમાં એક સાથે બે મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
ગ્રામજનોએ પોલીસને કરી જાણ, તપાસનો ધમધમાટ
વિરણીયા ઉંદરા ગામના કૂવામાં પતિ અને પત્ની બંનેના મૃતદેહ તરતા હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે જિલ્લા પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક લોકોની મદદથી બંને મૃતદેહોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.













