મહીસાગર જિલ્લાના મુખ્ય વાહન વ્યવહાર માર્ગ ગણાતા લુણાવાડા-સંતરામપુર હાઇવે પર આજે એક અત્યંત કરૂણ અને કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, લુણાવાડા તરફથી દૂધ ભરેલું એક ટેન્કર સરસણ શીત કેન્દ્ર તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન સંતરામપુર તરફથી એક કાર પોતાના ગંતવ્ય સ્થાન લુણાવાડા તરફ આવી રહી હતી.

લુણાવાડા-સંતરામપુર હાઇવે પર અકસ્માત 

જ્યારે બંને વાહનો હરિગરના મુવાડા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતા દૂધના ટેન્કર અને કાર વચ્ચે ધડાકાભેર સામસામે સીધી ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કુરચો બોલી ગયો હતો અને કારમાં સવાર મુસાફરો અંદર જ ગંભીર રીતે ફસાયા હતા.આ ભયાનક માર્ગ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યો જેમાં પુત્ર, તેમના માતા અને દાદીનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. એક જ પરિવારના ત્રણ-ત્રણ લોકોના કાળજી કંપાવી દે તે રીતે મોત નીપજતાં અકસ્માત સ્થળે ભેગા થયેલા સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત 

ઘટના અંગેની જાણ થતાં જ સંતરામપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહોને બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જાયા બાદ ટેન્કરચાલક પોતાનું વાહન રસ્તા પર જ મૂકીને તકનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે ટેન્કર કબજે કરી ફરાર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Borsad: કાળાડિબાંગ વાદળો સાથે મેઘરાજાની રી-એન્ટ્રી, વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક