લુણાવાડા શહેર માટે ચાલુ ચોમાસાની સીઝન મોટી રાહત લઈને આવી છે. છેલ્લા ત્રણ દિવસથી લુણાવાડા પંથક અને ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદના કારણે લુણાવાડા શહેરની જીવાદોરી સમાન પાનમ નદીમાં નવા નીરની સપાટ આવક થતાં નદી રૌદ્ર અને રમણીય સ્વરૂપે વહી રહી છે.પાનમ નદીમાં જળસ્તર સતત વધવાના પરિણામે લુણાવાડા શહેરમાં ગોધરા રોડ પુલ ની બાજુમાં આવેલો વિશાળ ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે.

ઉનાળાની વિકટ પરિસ્થિતિ બાદ મોટી રાહત

નોંધનીય છે કે, ચાલુ વર્ષે કાળઝાળ ઉનાળા દરમિયાન આ ચેકડેમમાં પાણીનું સ્તર ભયજનક રીતે ઘટીને સામાન્ય સપાટીથી અંદાજે એક ફૂટ જેટલું નીચે જતું રહ્યું હતું. જેને કારણે આગામી સમયમાં લુણાવાડા શહેરને પીવાના પાણીની મોટી અછતનો સામનો કરવો પડશે તેવી ચિંતા નગરપાલિકા અને નગરજનોને સતાવી રહી હતી.

ચેકડેમ ઓવરફ્લો થવાના નયનરમ્ય દ્રશ્યો 

પરંતુ છેલ્લા 72 કલાકમાં પડેલા સાર્વત્રિક વરસાદે ચિત્ર બદલી નાખ્યું છે. પાનમ નદીમાં નવા નીર આવવાથી અને ચેકડેમ પૂર્ણ સપાટીએ ભરાઈને ઓવરફ્લો થતાં જ લુણાવાડા શહેરને હવે આખું વર્ષ પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે. નવા નીરના વધામણાં થતાં જ લુણાવાડા વાસીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ચેકડેમ ઓવરફ્લો થવાના નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ કરવા અને નવા નીરને નિહાળવા માટે સ્થાનિક નગરજનો ગોધરા રોડ પુલ પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: Dang: સાપુતારા-મહારાષ્ટ્ર નેશનલ હાઇવે ધોવાતાં છેલ્લા 4 દિવસથી વાહનવ્યવહાર ઠપ્પ: ગુજરાત-મહારાષ્ટ્રનો સંપર્ક ખોરવાયો