ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા અને દક્ષિણ ગુજરાતના સરહદી ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા સતત અનરાધાર વરસાદને કારણે આંતરરાજ્ય પરિવહન વ્યવસ્થા પર વિપરીત અસર પડી છે. સાપુતારા બોર્ડર નજીક આવેલા મહારાષ્ટ્ર આરટીઓ ચેકપોસ્ટ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક મોટો ભાગ ધસી પડતાં અને ધોવાઈ જતાં ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો આ મુખ્ય હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.માર્ગ ધોવાઈ જવાના કારણે છેલ્લા ૪ દિવસથી સાપુતારાથી નાસિક, ત્ર્યંબકેશ્વર અને શિરડી તરફ જતો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.

આંતરરાજ્ય એસ.ટી. વ્યવહાર ઠપ્પ

હાઇવેની સ્થિતિ અત્યંત બિસ્માર અને જોખમી હોવાના કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા સાપુતારા બસ સ્ટેન્ડ ખાતેથી મહારાષ્ટ્ર તરફ જતી તમામ આંતરરાજ્ય એસ.ટી. બસોનું સંચાલન હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે. અનેક બસોને સાપુતારા બસ સ્ટેન્ડમાં જ રોકી દેવામાં આવી છે, જેના કારણે લાંબા અંતરના મુસાફરો અને પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે.

વાહનોની કતારો અને ટ્રાફિકજામના દ્રશ્યો

સ્થાનિક તંત્ર દ્વારા નાના અને ખાનગી વાહનો માટે કાચું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ સતત વરસાદના કારણે આ કાચા માર્ગ પર કીચડ અને ખાડા સામ્રાજ્ય જમાવતાં અનેક ચારચક્રી વાહનો અને ટ્રકો ફસાઈ ગયા હતા. આના પરિણામે સરહદ પર લાંબી વાહનોની કતારો અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.

 તાત્કાલિક ધોરણે હાઇવેનું રિપેરિંગ કામ 

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા કલેક્ટર તેમજ એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓએ મહારાષ્ટ્ર માર્ગ-મકાન વિભાગ અને નેશનલ હાઇવે ઓથોરિટી સાથે સંકલન સાધીને તાત્કાલિક ધોરણે હાઇવેનું રિપેરિંગ કામ પૂર્ણ કરવા આદેશ આપ્યા છે. ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર, માર્ગનું સમારકામ પૂર્ણ થતાં અથવા સુરક્ષિત વૈકલ્પિક રસ્તો મળતાં જ એસ.ટી. બસ વ્યવહાર પૂર્વવત શરૂ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: વરસાદમાં ખોવાયેલી નંબર પ્લેટ માટે પોલીસની એડવાઇઝરી, જાણવાજોગ નોંધાવવા અપીલ