અમદાવાદ શહેરમાં છેલ્લા દિવસોમાં પડેલા અનરાધાર વરસાદ અને તેના કારણે વિવિધ માર્ગો પર સર્જાયેલા જળબંબાકારની સ્થિતિમાં અસંખ્ય નાના-મોટા વાહનોની નંબર પ્લેટો તૂટીને પાણીમાં વહી ગઈ હોવાના કે પડી ગઈ હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. રસ્તા પરથી નંબર પ્લેટ ગાયબ થઈ જવાના કારણે વાહનચાલકો દંડ અને કાનૂની ગૂંચવણના ભય હેઠળ મુકાયા છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે એક વિશેષ એડવાઇઝરી જારી કરી છે.

દુરુપયોગ અટકાવવા જાણવાજોગ ફરિયાદ જરૂરી

ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, જો વરસાદી પાણીમાં કોઈ વાહનની નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય તો વાહન માલિકે વિલંબ કર્યા વિના નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો રહેશે. ખોવાયેલી નંબર પ્લેટ કોઈ અજાણ્યા શખ્સના હાથમાં આવી જાય અને તેના દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કે ટ્રાફિક નિયમોનો ભંગ થાય તો વાહન માલિક મુશ્કેલીમાં ન મુકાય તે માટે 'જાણવાજોગ'  રજીસ્ટર કરાવવી અત્યંત જરૂરી છે.

પુરાવા રજૂ કરીને પોતાની નંબર પ્લેટ મેળવી શકશે

આ માટે વાહન માલિકે પોતાના વાહનની RC બુક, ડ્રાઇવિંગ લાયસન્સ અને માન્ય ઓળખપત્ર સાથે પોલીસ સ્ટેશને હાજર રહેવાનું રહેશે.બીજી તરફ, સામાન્ય નાગરિકો અને સફાઈ કર્મચારીઓ દ્વારા રસ્તા પરથી મળી આવેલી નંબર પ્લેટો વિવિધ ટ્રાફિક પોલીસ સ્ટેશનો ખાતે જમા કરાવવામાં આવી રહી છે. વાહન માલિકો જરૂરી પુરાવા રજૂ કરીને પોતાની જમા થયેલી નંબર પ્લેટ ચકાસણી બાદ પરત મેળવી શકશે.

ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ

જો ખોવાયેલી નંબર પ્લેટ શોધી શકાશે નહીં, તો ટ્રાફિક પોલીસ દ્વારા નિયમાનુસાર ક્લોઝર રિપોર્ટ આપવામાં આવશે. આ ક્લોઝર રિપોર્ટના આધારે વાહનચાલક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) ખાતે અરજી કરીને પોતાના વાહન માટે નવી અધિકૃત HSRP નંબર પ્લેટ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી શકશે. પોલીસે તમામ નાગરિકોને આ પ્રક્રિયા અનુસરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં વાહનચાલકોને 18 લાખની રાહત, રથયાત્રા ડાયવર્ઝનના 1,855 ઈ-ચલાન રદ્દ