લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા સ્થિત પૂજ્ય બજરંગદાસ બાપુ ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજની ભાગીદારી અને પ્રતિનિધિત્વ આપવાની માંગ હાલ ભારે ચર્ચામાં આવી છે. ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજના સભ્યની નિમણૂક કરવાનો મુદ્દો ગરમાતા સમાજના આગેવાનો દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, ત્યારબાદ આશ્રમ ટ્રસ્ટી મંડળ સમક્ષ સમાજની લાગણી અને માંગ રજૂ કરવામાં આવી છે.
આશ્રમના વહીવટમાં ભાગીદારીનો મુદ્દો ઉઠાવ્યો
મળતી વિગતો અનુસાર, બગદાણા આશ્રમ સાથે કોળી સમાજની અતૂટ આસ્થા અને લાગણી જોડાયેલી છે. આ સંદર્ભે કોળી સમાજના આગેવાનોએ એકસાથે મળીને મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને સમાજની રજૂઆત તૈયાર કરી હતી. આગેવાનોએ એકજૂથ થઈને અવાજ ઉઠાવતા જણાવ્યું હતું કે બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને આશ્રમના વહીવટમાં પણ સમાજની ભાગીદારી સુનિશ્ચિત થવી જોઈએ.
