અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં કામ કરતી 20 વર્ષીય મહિલા કર્મચારી સાથે છેડતી થઈ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે પીડિત મહિલા કર્મચારીએ ઓફિસના માલિક નિર્મલ મહેતા સામે મોટેરા પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઓફિસ માલિક દ્વારા પૈસા અને અલગ મકાન અપાવવાની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
મોટેરા વિસ્તારમાં મહિલા કર્મચારી સાથે છેડતી
મોટેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ઓફિસ માલિક નિર્મલ મહેતાએ 20 વર્ષીય મહિલા કર્મચારી સાથે ફ્રેન્ડશીપ રાખવા તેમજ હગ અને કિસ કરવાની માંગણી કરી હતી. એટલું જ નહીં, ઓફિસમાં મહિલા કર્મચારીનો હાથ પકડીને શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. આરોપી માલિકે મહિલાને પૈસાની લાલચ આપીને અલગ મકાન અપાવવાની વાત કરી હતી અને તેના પતિ સાથે છૂટાછેડા લઈને અલગ રહેવા માટે પણ જણાવ્યું હતું.
