કચ્છ જિલ્લામાં સરકારી અને જાહેર જમીનો પચાવી પાડનારા ભૂમાફિયાઓ અને દબાણકારો સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કડક ઝુંબેશના ભાગરૂપે પ્રશાસન દ્વારા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાની પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે. પશ્ચિમ કચ્છ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રના સંયુક્ત નેજા હેઠળ યોજાયેલા આ ઓપરેશનમાં કાયદાનું ઉલ્લંઘન કરીને ઊભા કરવામાં આવેલા દબાણોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.
કરોડોની સરકારી જમીન થઈ મુક્ત
પોલીસ અને પ્રશાસનના આ સંયુક્ત અભિયાન હેઠળ જિલ્લાના વિવિધ મહત્વના વિસ્તારો, પ્રવાસન ક્ષેત્ર સમાન બીચ વિસ્તારો અને અન્ય કિંમતી સરકારી પ્લોટ્સ પર થયેલા અનધિકૃત બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. પ્રશાસનની આ આકરી કાર્યવાહીને કારણે અબજો-કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન ભૂમાફિયાઓના ચુંગાલમાંથી મુક્ત કરાવી લેવામાં આવી છે. આ જમીન હવે ફરીથી સરકાર હસ્તક આવી ગઈ છે.
મુન્દ્રા, ભુજ અને માંડવી સહિતના વિસ્તારોમાં સપાટો
તંત્ર દ્વારા આ કાર્યવાહી કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતી સીમિત ન રાખતા સમગ્ર પશ્ચિમ કચ્છ કમાન્ડમાં વ્યાપક સ્તરે હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના મુખ્ય મથક ભુજ, બંદર નગરી માંડવી, ઔદ્યોગિક હબ મુન્દ્રા, નખત્રાણા, દયાપર, જખૌ અને ખાવડા સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વહીવટી કાફલાએ ધામા નાખીને ગેરકાયદે બાંધકામો હટાવવાની કામગીરી પૂર્ણ કરી છે.
ગેરકાયદે ધાર્મિક અને કોમર્શિયલ બાંધકામો કરાયા જમીનદોસ્ત
આ મેગા ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન તંત્રએ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના કાયદેસરના પગલાં ભર્યા છે. રસ્તાઓ અને સરકારી જમીન રોકીને બનાવવામાં આવેલા ગેરકાયદે ધાર્મિક બાંધકામો, બજારની જગ્યા પચાવી પાડતી કોમર્શિયલ દુકાનો, પાકા-કાચા શેડ તેમજ ગેરકાયદે ઓરડીઓ સહિતના તમામ નાના-મોટા દબાણોને જેસીબી અને બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યા છે.
તંત્રએ જાહેર કર્યા ફોટોગ્રાફ્સ
આશ્ચર્યજનક અને સરાહનીય બાબત એ છે કે, વહીવટી તંત્ર દ્વારા જે તે સ્થળની કાર્યવાહી પહેલાંની અને દબાણ હટાવ્યા બાદની 'બીફોર-આફ્ટર' તસવીરો પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ ફોટોગ્રાફ્સમાં જે-તે જગ્યાઓ સંપૂર્ણપણે ચોખ્ખી અને દબાણમુક્ત થયેલી નજરે પડે છે. તંત્રની આ આકરી અને આયોજનબદ્ધ કાર્યવાહીને પગલે સમગ્ર કચ્છ જિલ્લાના દબાણકારો અને ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે.
આ પણ વાંચો - Kutch News: ભચાઉના ASI સુભાષચંદ્ર રાજગોરનું હાર્ટ એટેકથી નિધન