મહેસાણા મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓ પર ગટર લાઈનની સુવિધા આપ્યા વગર જ ગટર વેરો ઝીંકી દેવામાં આવતાં સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. શહેરના આશરે 17 હજાર જેટલા એવા મિલકતધારકો કે જેમના ઘરમાં ગટરનું કનેક્શન જ નથી, તેમને પણ પાલિકા દ્વારા રૂ. 2200 સુધીના ગટર વેરાના બિલો ફટકારી દેવામાં આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે જે ઘરોમાં કનેક્શન જ નથી, ત્યાંથી વપરાશના પાણીનો નિકાલ ક્યાં થઈ રહ્યો છે તે અંગે પણ વહીવટી તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

100થી વધુ મિલકતધારકોએ અરજીઓ કરી

તંત્રની આ ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરતા અત્યાર સુધીમાં 100થી વધુ મિલકતધારકોએ બિલમાંથી આ ગેરવાજબી વેરો દૂર કરવા માટે મહાનગરપાલિકાની કચેરીએ સત્તાવાર અરજીઓ કરી છે. ખાસ કરીને જે નાગરિકોએ પોતાના મિલકત વેરા ફોર્મમાં શોષકૂવાની સ્પષ્ટતા કરી ન હતી, તેમને તંત્ર દ્વારા સીધા જ ગટરના બિલો આપી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના વિરોધ બાદ પાલિકા તંત્રે બાંહેધરી આપી છે કે અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કર્યા બાદ જેમના ઘરે ગટર કનેક્શન નથી તેમના બિલમાં જરૂરી સુધારા કરી આપવામાં આવશે.

લોકો મોટી સંખ્યામાં એડવાન્સ વેરો ભરી રહ્યા છે

બીજી તરફ, મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી 10 ટકા રિબેટ (વળતર) યોજનાનો લાભ મેળવવા માટે મહેસાણાના પ્રજાજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેરામાં રાહત મેળવવાની છેલ્લી તકો ઝડપવા માટે લોકો મોટી સંખ્યામાં એડવાન્સ વેરો ભરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, માત્ર 2 જ દિવસના ટૂંકા ગાળામાં 1983 જેટલા જાગૃત મિલકતધારકોએ પોતાનો એડવાન્સ વેરો જમા કરાવી દીધો છે, જેના થકી મનપાની તિજોરીમાં કુલ ₹49.31 લાખ રૂપિયાનો એડવાન્સ વેરો જમા થઈ ચૂક્યો છે. નાગરિકોની માગણી છે કે તંત્ર વહેલી તકે સ્થળ તપાસ પૂર્ણ કરી ગેરવાજબી ગટર વેરો રદ કરે જેથી તેઓ રિબેટ યોજનાનો પૂરો લાભ લઈ શકે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં ગાજવીજ સાથે મેઘમહેર થઈ શકે