ગુજરાતમાં જુલાઈના અંતિમ સપ્તાહમાં અતિભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે મોટું નુકસાન પણ સામે આવ્યું હતું. પરંતુ થોડા દિવસોથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેમ રાજ્યમાં મેઘમહેર થવાની બંધ થઈ ગઈ છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અલનીનોની સ્થિતિને કારણે હાલમાં વરસાદ બંધ રહ્યો છે. પરંતુ ઓગસ્ટના અંતમાં ફરીવાર વરસાદનો રાઉન્ડ આવશે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. 

મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા

ગુજરાતમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આગાહી મુજબ સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ થવાની સંભાવના છે. તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે ભારેથી અતિભારે વરસાદની શક્યતા નહિવત દર્શાવવામાં આવી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે નાગરિકોને ગરમી અને અસહ્ય ઉકળાટનો અનુભવ પણ થશે.  

રાજ્યમાં ચોમાસાની પ્રગતિ પર બ્રેક વાગી

રાજ્યમાં ચોમાસાની પ્રગતિ પર બ્રેક વાગતાં ખેડૂતોમાટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ,ચોમાસા પર અલનીનોનું ગ્રહણ લાગવાના કારણે હાલ વરસાદી સિસ્ટમમાં યોગ્ય પ્રેશર સક્રિય થઈ રહ્યું નથી.જેને પગલે હવે ભારે વરસાદ માટે રાહ જોવી પડશે.હવામાન નિષ્ણાતોના મતે ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદનો નવું રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે.જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ ખૂબ જ નહિવત જણાઈ રહી છે.

આ પણ વાંચોઃ Gujarat News: ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે ટીમ મોકલી, પશુઓના બ્લડ અને દૂધના 70 સેમ્પલ લેવાયા