ગુજરાતમાં થોડા સમય અગાઉ બ્રિજ નમી પડવાની કે તૂટવાની ઘટનાઓ બાદ પણ સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરો પાઠ ભણવા તૈયાર ન હોય તેવું ચિત્ર મહેસાણાના બહુચરાજી તાલુકામાં જોવા મળી રહ્યું છે. બહુચરાજીને આસપાસના અનેક મહત્વના ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતો તેજપુરા-કાનપુરા કેનાલ પરનો બ્રિજ આજે સરકારી બાબુઓની નિષ્કાળજીનો જીવતો જાગતો પુરાવો બની ગયો છે. બ્રિજની હાલત એટલી હદે બિસ્માર છે કે તેના પરથી પસાર થતી વખતે વાહનચાલકોના જીવ તાળવે ચોંટી જાય છે.


પાણીનું લીકેજ અને કાટ ખાઈ ગયેલું લોખંડ

સ્થાનિક રહીશો અને ખેડૂતોના ગંભીર આક્ષેપો મુજબ, બ્રિજની ગુણવત્તા એટલી નબળી છે કે બ્રિજના ઉપરના ભાગમાંથી સતત પાણી નીચે ટપકી રહ્યું છે. પાણીના સતત લીકેજને કારણે બ્રિજની અંદર અને બહાર લગાવવામાં આવેલી લોખંડની ભારે-ભરખમ એંગલો આખેઆખી સડી ગઈ છે. સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે અને અંદરનું લોખંડનું માળખું નબળું પડી રહ્યું છે. હજારો ટન વજન વહન કરતો આ બ્રિજ ટેકનિકલ ભાષામાં ગમે ત્યારે ક્ષતિગ્રસ્ત થઈને ધરાશાયી થઈ શકે છે.

મોટી હોનારત પહેલાં જાગશે તંત્ર?

આ બ્રિજ માત્ર બે ગામને નહીં પરંતુ બહુચરાજી, રામપુરા, કટોસણ અને કાનપુરા જેવા અનેક મોટા ગામડાઓ માટે જીવાદોરી સમાન છે. દરરોજ અહીંથી એસ.ટી. બસો, સ્કૂલ વાહનો અને ખેતીવાડીના ભારે ટ્રેક્ટરો પસાર થાય છે. જો સમય રહેતા માર્ગ અને મકાન વિભાગ અથવા નર્મદા કેનાલ પ્રોજેક્ટના સત્તાધીશો દ્વારા આ બ્રિજનું લાઈવ ઇન્સ્પેક્શન કરીને નવું બાંધકામ શરૂ કરવામાં નહીં આવે, તો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે અને તેની જવાબદારી સંપૂર્ણપણે તંત્રની રહેશે તે નક્કી છે.

આ પણ વાંચો: Narmada: AAPના MLA ચૈતર વસાવાને ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં કોર્ટે 3 વર્ષની સજા ફટકારી

  • Follow us on: