'સલામત સવારી એસ.ટી. અમારી' ના સૂત્રને શર્મસાર કરે તેવી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના મહેસાણા જિલ્લામાંથી સામે આવી છે. મહેસાણા-બેચરાજી રૂટની એસ.ટી. બસના ડ્રાઇવર દ્વારા નશાની હાલતમાં બસ ચલાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, બેચરાજીના આદિવાડા ગામ નજીક બસને રોડની સાઈડમાં ઊભી રાખીને ડ્રાઇવર ભરત ગઢવી અચાનક બસ મૂકીને ફરાર થઈ જતાં બસમાં સવાર મુસાફરો અધવચ્ચે રઝળી પડ્યા હતા.
નશાની હાલતમાં ડ્રાઇવર બસ મૂકીને ફરાર
મહેસાણા-બેચરાજી રૂટ પર દોડી રહેલી એસ.ટી. બસનો ચાલક ભરત ગઢવી નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનો મુસાફરોએ ગંભીર આક્ષેપ કર્યો હતો.મુસાફરોનો આક્ષેપ અને વિરોધ વધતા ડ્રાઇવર ભરત ગઢવીએ બેચરાજીના આદિવાડા ગામ નજીક રોડની સાઈડમાં બસ ઊભી રાખી દીધી હતી અને મુસાફરોને બસમાં જ છોડીને પોતે સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. ચાલક અચાનક બસ મૂકીને ફરાર થઈ જતાં બસમાં સવાર મુસાફરો અધવચ્ચે રઝળી પડ્યા હતા અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
