ગુજરાતમાં અલનીનોની અસરને કારણે વરસાદ ઓછો નોંધાયો છે. જેના કારણે પાણીની ભારે અછત સર્જાઈ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની અછત વચ્ચે ખેતી કેવી રીતે કરવી તેની ચિંતા ખેડૂતોમાં છે. રાજ્ય સરકારે આ વખતે માત્ર ચાર જ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. બીજી તરફ બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ ઓછો હોવાથી ખેડૂતો સિંચાઈ માટે પાણી માગી રહ્યા છે. મહેસાણામાં આ સ્થિતિ વચ્ચે ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ખેડૂતોની માગ મુજબ ધરોઈ ડેમમાંથી આગામી 5 થી 10 તારીખ દરમિયાન ખેતી માટે સિંચાઈનું પાણી છોડવાનું આયોજન કરાયું છે.
1 વર્ષ સુધી પીવાના પાણી માટે કોઈ જ તકલીફ પડશે નહીં
ધરોઈ કાર્યપાલક ઇજનેર સુમિત પટેલે કહ્યુ હતું કે, મહેસાણાના ધરોઈ ડેમની વર્તમાન પરિસ્થિતિ અનુસાર જળાશયમાં હાલમાં 51 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.ડેમમાં રહેલા આ જથ્થામાંથી આગામી 1 વર્ષ સુધી પીવાના પાણી માટે કોઈ જ તકલીફ પડશે નહીં.તંત્ર દ્વારા પીવાના પાણીના જથ્થાને સંપૂર્ણ રિઝર્વ રાખવામાં આવ્યો છે.જેના લીધે આગામી એક વર્ષ માટે પીવાનું પાણી સુરક્ષિત થઈ ગયું છે.સિંચાઈ માટે પાણી આપવા છતાં પીવાના પાણીની અછત ઊભી થશે નહીં તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.પીવાના પાણીની સંપૂર્ણ વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે.ચાલુ મોસમમાં વરસાદ ઓછો થયો હોવાથી ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે.
