આગામી દિવાળીના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોની સ્વાસ્થ્ય સુરક્ષા પ્રત્યે મહેસાણા જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. તહેવારોના દિવસોમાં મીઠાઈ અને ફરસાણની માંગમાં ભારે ઉછાળો આવતો હોય છે, જેનો ફાયદો ઉઠાવીને ભેળસેળખોરો પણ સક્રિય થઈ જતા હોય છે.લોકોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવા માટે ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં અખાદ્ય ખાદ્યપદાર્થોના વેચાણ સામે વિશેષ કડક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
ચીજવસ્તુઓમાં ભેળસેળ છે કે નહીં તેનો ખુલાસો થઈ શકે
આ ઝુંબેશ હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરોની જુદી જુદી ટીમો દ્વારા મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ્સ, મીઠાઈની દુકાનો અને ફરસાણના વેપારીઓને ત્યાં આકસ્મિક દરોડા પાડીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કાર્યવાહી દરમિયાન વિભાગ દ્વારા વેચાણ અર્થે મૂકાયેલી વિવિધ પ્રકારની મીઠાઈઓ, દૂધની વાનગીઓ, માવો અને ફરસાણ સહિતના ખાદ્યપદાર્થોના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે. આ નમૂનાઓને તાત્કાલિક ધોરણે લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેથી તેમાં કોઈ હાનિકારક રસાયણો કે કેમિકલયુક્ત ભેળસેળ છે કે નહીં તેનો ખુલાસો થઈ શકે.
