અમદાવાદ શહેરમાં નવરાત્રિ અને દશેરાના પવિત્ર તહેવારો દરમિયાન નાગરિકો દ્વારા નવા વાહનોની રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી છે.આ તહેવારના માહોલમાં માત્ર 18 દિવસના ટૂંકા ગાળામાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાં વ્હીકલ ટેક્સ પેટે અધધ રૂ.23.43 કરોડની માતબર આવક જમા થઈ છે.આ 18 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં કુલ 27735 નવા વાહનોનું રજિસ્ટ્રેશન નોંધાયું છે.જેમાં સૌથી વધુ આવક ફોર-વ્હીલર એટલે કે કારના વેચાણથી થઈ છે.
આ વર્ષે ટેક્સની આવકમાં જંગી ઉછાળો
શહેરમાં નોંધાયેલી 5825 નવી કાર પેટે તંત્રને સૌથી વધુ રૂ.17.99 કરોડનો ટેક્સ વસૂલાયો છે.આ ઉપરાંત,ટુ-વ્હીલર વિભાગમાં 19799 નવી બાઈક અને સ્કૂટર નોંધાયા હતા.જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ.3.70 કરોડની આવક થઈ છે.સામાન્ય નાગરિકોના પરિવહનનું સાધન એવી ઓટોરિક્ષાના વેચાણમાંથી પણ તંત્રને રૂ.62.04 લાખ રૂપિયાનો ટેક્સ પ્રાપ્ત થયો છે.ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનને વ્હીકલ ટેક્સ પેટે રૂ.20.50 કરોડની આવક થઈ હતી.જેની સરખામણીએ આ વર્ષે ટેક્સની આવકમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે.
