મહેસાણા જિલ્લામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે ફૂડ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વડનગરથી ગાંધીનગર હાઈવે પર આવેલા વિવિધ વિસ્તારોમાં અચાનક કરવામાં આવેલી તપાસથી હોટલ અને રેસ્ટોરેન્ટ સંચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મુસાફરો અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે પ્રશાસન દ્વારા આ કડક પગલાં લેવામાં આવ્યા છે.
37 પેઢીઓમાં તપાસ અને શંકાસ્પદ જથ્થાનો નાશ
ફૂડ વિભાગની ટીમે હાઈવે પર આવેલી કુલ 37 જેટલી વેપારી પેઢીઓ અને હોટલોની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન અખાદ્ય અને શંકાસ્પદ જથ્થો મળી આવતા કુલ 15 કિલોગ્રામ જેટલો અખાદ્ય માલ જપ્ત કરીને સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને મોટીદાઉ સ્થિત હોટલ કોનકોર્ડમાંથી 10 કિલોગ્રામ કાજુકતરી અને 5 લીટર ક્રીમનો શંકાસ્પદ જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો. ગોઝારિયા, મહેસાણા અને નંદાસણ પંથકમાં હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીથી ખાદ્ય સુરક્ષાના ધોરણોનો ભંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


