મહેસાણા શહેરમાં ગેરકાયદે બાંધકામો અને પાર્કિંગની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશને આઇકોનિક રોડ બનાવવાના નામે નાના-મોટા અનેક દબાણો દૂર કર્યા હતા, પરંતુ શહેરના મુખ્ય વેપારી વિસ્તારોમાં આવેલા મોટા શોપિંગ કોમ્પ્લેક્સમાં આખેઆખા પાર્કિંગ ગાયબ થઈ ગયા હોવા છતાં મનપા કમિશનર અને ડેપ્યુટી કમિશનરને આ ગેરકાયદે બાંધકામો કેમ ન દેખાયા? તેવો તીખો સવાલ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.

પીલાજીગંજ અને તોરણવાળી ચોકના શોપિંગ સેન્ટરો સામે અરજી

મહેસાણા શહેરના અતિ ધિગતા અને મુખ્ય એવા પીલાજીગંજ તથા તોરણવાળી માતાના ચોક વિસ્તારમાં આવેલા વિવિધ શોપિંગ સેન્ટરોમાં કાયદાનો ભંગ કરીને કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે મનપા કમિશનરને લેખિત અરજી કરવામાં આવી છે. ખાસ કરીને પરીખ ચેમ્બર્સ, શંકાભાઈ શેઠ કોમ્પ્લેક્સ, મેઘરથ કોમ્પ્લેક્સ અને આલાપ કોમ્પ્લેક્સ જેવા ચર્ચિત શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગ અને શૌચાલયની જગ્યાઓ બંધ કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં નકશા વિરૂદ્ધ કઢાયેલી વધારાની દુકાનો તોડી પાડી પાર્કિંગ ખુલ્લા કરવાની માંગણી કરાઈ છે.

'સત્તાપ્રકાર-બી' જમીન પર કાયદા વિરૂદ્ધ કમર્શિયલ બાંધકામ

સ્થાનિક નાગરિક વિષ્ણુભાઈ ધનજીભાઈ બારોટે રજૂઆતમાં જણાવ્યું છે કે, અગાઉ વર્ષ 2025 માં જ્યારે મહેસાણા નગરપાલિકા હતી, ત્યારે પણ આ અંગે તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી. કલેક્ટરે જે વિસ્તારોને 'સત્તાપ્રકાર-બી' જાહેર કરેલા છે, ત્યાં નિયમ મુજબ કોમર્શિયલ બાંધકામ થઈ શકે નહીં. આમ છતાં, આ કાયદાકીય જોગવાઈઓનો સરેઆમ ભંગ કરીને મસમોટા કોમર્શિયલ બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા છે, જેને ત્વરિત અસરથી દૂર કરવા માંગ કરાઈ છે.

Mehsana News: 30-Day Ultimatum to Municipal Commissioner Over Illegal Construction

30 દિવસનું અલ્ટીમેટમ, ઉચ્ચ સ્તરે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી

અરજદાર વિષ્ણુભાઈ બારોટે મ્યુનિસિપલ કમિશનરને સ્પષ્ટ શબ્દોમાં 30 દિવસનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, જો આગામી 30 દિવસની અંદર આ તમામ ગેરકાયદે બાંધકામો અને દબાણો પર યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આ મુદ્દાને ઉચ્ચ ઓથોરિટી સુધી લઈ જવામાં આવશે અને કાયદાકીય તેમજ પૌરાણિક પ્રક્રિયા હેઠળ સખત પગલાં ભરવામાં આવશે.


આ પણ વાંચો - Mehsana : વડનગરમાં રક્ષાબંધનના દિવસે જ બહેનનું અપહરણ, રાખડીના બહાને ભાઈએ બોલાવી 3 શખ્સો સાથે ઉઠાવી લીધી