મહેસાણા જિલ્લાના ખેરાલુ-સતલાસણા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. અહીં ખેરાલુ નજીક આવેલા સાંઈબાબા મંદિર સામે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, બાઈકચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મૃતક GRD જવાનની ઓળખ

આ અકસ્માતમાં જીવ ગુમાવનારા યુવાન ખેરાલુ પોલીસ સ્ટેશનમાં GRD જવાન તરીકે ફરજ બજાવતા હતા. મૃતકની ઓળખ 41 વર્ષીય દશરથભાઈ નાનજીભાઈ પરમાર તરીકે થઈ છે, જેઓ મૂળ સતલાસણા તાલુકાના નિઝામપુરા ગામના રહેવાસી હતા. દશરથભાઈ ખેરાલુ ખાતે પોતાની ફરજ પૂરી કરી અને રાત્રે અથવા સાંજે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન આ કમનસીબ અકસ્માત નડ્યો હતો.

પોલીસ કાર્યવાહી અને હોસ્પિટલ ખાતે પરિવારજનોનો આક્રંદ

ઘટનાની જાણ થતાં જ ખેરાલુ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકટોળાને હટાવી ટ્રાફિક ક્લિયર કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ફરજ પરથી પરત ફરતા જવાનના અચાનક અને આકસ્મિક મૃત્યુના સમાચાર મળતા જ ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો અને સ્વજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા, અને તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ખેરાલુ પોલીસે આ માલે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: Mehsana :હરિદ્વાર લઈ જવા અને કથા સાંભળવાના નામે મહિલાઓ સાથે છેતરપિંડી, કનેડીયા ગામના 5 ઠગો સામે ફરિયાદ