દિવાળીના તહેવાર નિમિત્તે મહેસાણા શહેરમાં આવેલી મહેસાણા અર્બન બેંક ખાતે વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.બેંક ખૂલતાંની સાથે જ મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. રૂપિયા 10,20, 50 અને 100ની નવી ચલણી નોટોના બંડલ લેવા માટે લોકોની એક કિ.મી સુધી લાઈનો લાગી છે. તહેવારોમાં શુકન માટે કડક નવી નોટો આપવાની પરંપરા હોવાથી લોકો નવી નોટો લેવા માટે લાઈનોમાં ઉભા રહ્યાં છે.
લાઈનો એક કિલોમીટર સુધી લંબાઈ ગઈ હતી
દિવાળીના પાવન તહેવારોની શરૂઆત થતાં જ સામાન્ય નાગરિકોને ખરીદી અને વ્યવહાર માટે નાની નોટોની ખાસ જરૂરિયાત ઊભી થતી હોય છે.આ દરમિયાન મહેસાણા શહેરમાં અર્બન બેંકમાં સવારના સમયે બેંક ખૂલતાં જ મોટી સંખ્યામાં લોકોની ભીડ હાજર થઈ ગઈ હતી.લોકો રૂ.10,20, 50 અને 100ના દરની નોટોના બંડલ મેળવવા માટે બેંક પરિસરમાં પહોંચ્યા હતા.બેંકનો મુખ્ય દરવાજો ખૂલતાની સાથે જ લોકોની કતારો લાગવા માંડી હતી.થોડા જ સમયમાં બેંક આગળ લાગેલી આ લાઈનો એટલી લાંબી થઈ ગઈ હતી કે તે એક કિલોમીટર સુધી લંબાઈ ગઈ હતી.
લોકો પોતાના વારાની રાહ જોતા જોવા મળ્યા
બેંકની અંદરથી શરૂ થયેલી લાઈનો બહાર મુખ્ય રોડ ઉપર સુધી પહોંચી ગઈ હતી.દૂર દૂર સુધી રસ્તા પર માત્ર લોકોની કતારો જ નજરે પડી રહી હતી.તહેવારના દિવસોમાં છૂટા પૈસાની ભારે માંગ રહેતી હોવાથી વહેલી તકે નવી અને નાની નોટો મેળવી લેવા માટે લોકો લાઈનમાં ઊભા રહી ગયા હતા.મોટી સંખ્યામાં એકત્ર થયેલી પબ્લિકના કારણે બેંક અને તેની આસપાસનો વિસ્તાર ધમધમી ઊઠ્યો હતો. 10,20, 50 અને 100ની ચલણી નોટો ઉપાડવા માટે આવેલા લોકો શાંતિપૂર્ણ રીતે કતારબદ્ધ ઊભા રહીને પોતાના વારાની રાહ જોતા જોવા મળ્યા હતા.
ભારે હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો
મહેસાણા અર્બન બેંક ખુલતાની સાથે જ તહેવારો નિમિત્તે 10 રૂપિયાની નોટોના બંડલ અને સિક્કાના રૂપમાં છૂટા પૈસા મેળવવાની ઘેલછામાં લોકોની એક-એક કિલોમીટર સુધી લાંબી લાઈનો મુખ્ય રોડ સુધી લાગી ગઈ હતી, જ્યાં બેંક દ્વારા 70 રીંગો સિક્કા અને 10-10 ની નોટોના 800 બંડલ આપ્યા બાદ રોકડ રકમ પતી જતાં ભારે હોબાળો મચ્યો હતો; કલાકો સુધી બાળકોને લઈને લાઈનમાં ઊભેલી મહિલાઓ અને બેંકના શેરહોલ્ડર હોવા છતાં છૂટા પૈસા ન મળતાં રોષે ભરાયેલા લોકોએ બેંક આગળ ભારે હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચોઃ Vadodara News: MSUનાં ડોનર્સ પ્લાઝામાં ક્લાઈમેટ ચેન્જ એક્ઝિબિશન સેન્ટર બનશે, 17 કરોડ ગ્રાન્ટ ફાળવાઈ