વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માટે પર્યાવરણીય સંશોધન ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીને ક્લાઈમેટ ચેન્જ ઈમ્પેક્ટ અને અવેરનેસ સેન્ટર ઊભું કરવા માટે રૂા.17 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યની યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ પાસેથી ક્લાઈમેટ ચેન્જ વિજ્ઞાન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રપોઝલ મંગવાયા હતા. જેમાં સરકારી યુનિવર્સિટીઓ પૈકી MSUની દરખાસ્ત શ્રેષ્ઠ સાબિત થઈ હતી. 

હવામાન પરિવર્તનની ગંભીરતાને પ્રત્યક્ષ અનુભવી શકે

ત્યારબાદ ટેક્નોલોજી ફેકલ્ટી, બોટની, ઝૂઓલોજી અને કમ્પ્યુટર સાયન્સ જેવા વિવિધ વિદ્યા શાખાઓના નિષ્ણાતોની મલ્ટિ-ડિસિપ્લિનરી ટીમે આ સઘન પ્રપોઝલ ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી સમક્ષ પ્રેઝન્ટ કર્યું હતું.આ અંગે MSUનાં વાઈસ ચાન્સેલર પ્રો.ડો.ભાલચંદ્ર ભાટેગેએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માત્ર શિક્ષણ વિદ્રોના સંશોધન પૂરતો સીમિત ન રહેતાં સામાન્ય નાગરિકો અને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. આ પ્રોજેક્ટ માટે યુનિવર્સિટી કેમ્પસનું સેન્ટ્રલ લોકેશન ગણાતા ડોનર્સ પ્લાઝા ખાતે સ્પેસ ફાળવીને સાયન્સ પાર્ક/સાયન્સ સિટીની તર્જ પર એક લાઈવ એક્સપીરિયન્સ મ્યુઝિયમ ઊભું કરવાનું પ્લાનિંગ છે. જેથી કોઈપણ વ્યક્તિ સરળતાથી પહોંચીને હવામાન પરિવર્તનની ગંભીરતાને પ્રત્યક્ષ અનુભવી શકે. 

ક્લાઈમેટ એક્શન ક્ષેત્રે મોડેલ પ્રોજેક્ટ સાબિત થશે

આ મ્યુઝિયમ માત્ર ચિત્રો કે ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન નહીં હોય, પરંતુ સંપૂર્ણપણે અનુભૂતિ આધારિત હશે. રાજ્ય સરકારની 17 કરોડની ગ્રાન્ટથી આકાર પામનાર આ સેન્ટર ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ અને ક્લાઈમેટ એક્શન ક્ષેત્રે મોડેલ પ્રોજેક્ટ સાબિત થશે.ઇન્ટરેક્ટિવ ગેમ્સ દ્વારા સમજ આપવામાં આવશે. આ સેન્ટરમાં અત્યંત રોચક રીતે ઇન્ટરેક્ટિવ ગેમ્સ દ્વારા સમજાવવામાં આવશે કે સામાન્ય માણસ જાણે-અજાણ્યે કેવી રીતે કાર્બન ફૂટપ્રિન્ટ ઊભી કરે છે.સ્માર્ટફોન પર માત્ર એક Hi કે Good Morning લખવાથી, મેસેજ ફોરવર્ડ કરવાથી કે રીલ પોસ્ટ કરવાથી સેટેલાઇટ અને ડેટા ટાવર્સ દ્વારા કેટલી કાર્બન ફૂટપ્રિન્ટ જનરેટ થાય છે, તેનું લાઇવ ગેમ-મોડેલિંગ દર્શાવાશે. આ ઉપરાંત દૂધની પ્લાસ્ટિક પાઉચ કાપતી વખતે નાનો ત્રિકોણીયો ટુકડો છૂટો ફેંકી દેવાથી કે પ્લાસ્ટિક કચરો જમીનમાં ભળવાથી થતા નુકસાન અંગે સામાજિક જાગૃતિ અપાશે તેવું રજિસ્ટ્રાર ડૉ. કે.એમ.ચુડાસમાએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad News: AMCને 18 જ દિવસમાં વ્હીકલ ટેક્સ પેટે 23.43 કરોડની આવક થઈ