મહેસાણા શહેરના મુક્તા સિનેમા થિયેટરમાં વેચાતા મિલ્કમાંથી પ્લાસ્ટિક મળી આવવાની ચોંકાવનારી ઘટના બની હતી. જે બાદ જાગેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના વિવિધ સિનેમાગૃહો અને તેની આસપાસ આવેલા ફૂડ કોર્ટ તેમજ ફાસ્ટ ફૂડ સેન્ટરો પર સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
ફાસ્ટ ફૂડ સેન્ટરો પર સઘન તપાસ
આ તપાસ દરમિયાન ખારી નદી પાસે આવેલા વાઈડ એન્જલ સિનેમા સંકુલ નજીકના જાણીતા 'Mirchi Fast Food' આઉટલેટ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ગ્રાહકોને પીરસવામાં આવતા મસાલેદાર પોપકોર્નના જથ્થામાંથી જીવતી ઈયળો (જીવાત) મળી આવી હતી. માત્ર પોપકોર્નમાં જ નહીં, પરંતુ ગ્રાહકોને 'Hot Corn Bowl' નામે પીરસવામાં આવતી વાનગીમાં શુદ્ધ બટરના બદલે હલકી ગુણવત્તાનું 'Fat Spread' વાપરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો હતો. આ સિવાય ફાસ્ટ ફૂડ સેન્ટરમાં અત્યંત ગંદકી અને જીવાતોનો ભારે ઉપદ્રવ જોવા મળ્યો હતો.
