મહેસાણા શહેરના મોઢેરા રોડ પર બનેલી સાદીર હુસેન ગુલામ હુસેન સૈયદની સનસનાટીભરી હત્યાના બનાવમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. શરૂઆતમાં આ કેસની તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી હતી, પરંતુ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસની બાગડોર એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરીને ટૂંક જ સમયમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

અમદાવાદથી મુખ્ય આરોપીની અટકાયત

મહેસાણા એ ડિવિઝન પીઆઈની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન કેસનો મુખ્ય આરોપી માજીદ સાકીર રફીક મહમદ સૈયદ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક અમદાવાદ પહોંચીને મુખ્ય આરોપી માજીદ સૈયદની ધરપકડ કરી લીધી હતી. તેની સાથે હત્યાની આ ઘટનામાં સંડોવાયેલા અન્ય એક સહ-આરોપીને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.

mehsana murder case

અન્ય આરોપીઓને પકડવા ડીસામાં તપાસ લંબાવી

મહેસાણા પોલીસે હાલમાં બે મુખ્ય આરોપીઓની વિધિવત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા કેસમાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસની ટીમો સીસીટીવી ફુટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ફરાર આરોપીઓનું લોકેશન ટ્રેસ કરી રહી છે, જેને પગલે હાલ ડીસા અને તેની આસપાસના વિસ્તારોમાં તપાસ લંબાવવામાં આવી છે.

Mehsana News: A-Division Police Arrests 2 Main Accused in Modhera Road Murder Case

ટૂંક સમયમાં પોલીસ કરશે ખુલાસો

હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને આ ગુનામાં કયા શસ્ત્રોનો ઉપયોગ થયો હતો તે તમામ દિશામાં પોલીસ હાલ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર, બાકીના આરોપીઓને પણ ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે અને સમગ્ર મર્ડર કેસનો પર્દાફાશ કરીને તમામ આરોપીઓને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે.


આ પણ વાંચો: Mehsana News: ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકા આટો ખાય, આ કારણે સિપોર ગામની ડેરીમાં દૂધ વેચાણના મુદ્દે ભારે આક્રોશ