મહેસાણા જિલ્લાના સિપોર ગામે દૂધ મંડળી ખાતે દૂધના વેચાણને લઈને મોટો ભડકો થયો છે. સિપોર ગામમાં અમૂલ પાર્લર શરૂ કરવામાં આવ્યા બાદ સ્થાનિક ડેરીમાંથી ગ્રામજનોને કરવામાં આવતું છૂટક દૂધનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, અને દૂધ સાગર ડેરીના શાસકો તેમજ સ્થાનિક વહીવટ સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
ગામનું દૂધ ગામમાં જ વેચવાની માગ
ગ્રામજનોનો આરોપ છે કે, પેકેજ્ડ કે થેલીવાળું દૂધ વેચવા માટે થઈને ગામની જ સ્થાનિક ડેરી બંધ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોની સ્પષ્ટ અને એકસુરે માંગણી છે કે, ગામમાં ઉત્પાદિત થતું તાજું દૂધ ગામના જ લોકોને મળવું જોઈએ. સ્થાનિક લોકોને દૂધ મેળવવા માટે અમૂલ પાર્લર પર નિર્ભર રહેવું પડે અને પ્રોસેસ્ડ દૂધ લેવાની ફરજ પાડવામાં આવે તે ચલાવી લેવાય નહીં. આ મુદ્દે ગ્રામજનો એકઠા થઈને દૂધ સાગર ડેરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

ડેરી મંત્રી અને ગ્રામજનોનો પક્ષ
આ સમગ્ર વિવાદ અંગે ડેરીના મંત્રીનું કહેવું છે કે, સ્થાનિક કક્ષાએ કોઈ મનસ્વી નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ ઉપરથી દૂધ સાગર ડેરી તંત્ર તરફથી જે આદેશો આપવામા આવ્યા છે, તે મુજબ જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ, મામલો વધુ ગરમાતાં આક્રોશિત ગ્રામજનોએ ચિંતિત બનીને ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને ગામનું દૂધ ગામમાં વેચવાનું પુનઃ શરૂ નહીં કરાય તો તેઓ ડેરીને તાળાબંધી કરશે. આ પરિસ્થિતિને કારણે ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકા આટો ખાય તે કહેવત સાચી પડતી જણાઈ રહી છે.

શું ડેરી તંત્ર નિર્ણય બદલશે?
સિપોર ગામમાં ઊભા થયેલા આ વિરોધના વંટોળ બાદ હવે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. શું ગ્રામજનોની આ વ્યાજબી માગ સામે દૂધ સાગર ડેરીનું તંત્ર નમતું જોખશે? શું ડેરી તંત્ર પોતાના આદેશમાં સુધારો કરીને સ્થાનિક લોકોને અગાઉની જેમ છૂટક દૂધ આપવાનું શરૂ કરશે કે, પછી ગ્રામજનો તાળાબંધી જેવા આકરાં પગલાં ભરશે? હાલ તો આ સમગ્ર મામલે ગ્રામજનો અને ડેરી તંત્ર વચ્ચે ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે.
https://twitter.com/sandeshnews/status/2095411933411488092
આ પણ વાંચો: Mehsana News: ખેરાલુના મંદ્રોપુર ગામે ભવ્ય શીતળા સાતમનો મેળો ભરાયો, ભક્તોનું મહેરામણ ઉમટ્યું