ઉત્તર ગુજરાતના ઐતિહાસિક અને પૌરાણિક નગર વડનગર ખાતે કાંચીપુરમ સ્થિત શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના સાન્નિધ્યમાં વિશ્વશાંતિ મહાયજ્ઞનો પ્રારંભ થયો છે.વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર પરિસરમાં યોજાઈ રહેલા આ દસ દિવસીય આધ્યાત્મિક અનુષ્ઠાનને કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય અને પવિત્ર વાતાવરણ છવાયું છે.

દક્ષિણ ભારતની આધ્યાત્મિક પરંપરાનો અદ્ભુત સંગમ

ભગવાન શિવને સમર્પિત આ પ્રાચીન મંદિર નાગર બ્રાહ્મણ સમુદાયના મુખ્ય આરાધ્ય સ્થળોમાં સામેલ છે.સ્કંદ પુરાણના નાગરખંડમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે.આ જ ઐતિહાસિક મંદિર પરિસરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ અવસરે દેશભરમાંથી પધારેલા પ્રકાંડ પંડિતો અને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન તથા વેદ મંત્રોચ્ચાર સાથે યજ્ઞકુંડમાં પવિત્ર આહુતિઓ આપવામાં આવી રહી છે.પુરાણોમાં આનંદપુર અને ચમત્કારપુર તરીકે ઓળખાતી આ ઐતિહાસિક ભૂમિ પર દક્ષિણ ભારતની પ્રખર સનાતન પીઠના શંકરાચાર્યની ઉપસ્થિતિ ઉત્તર અને દક્ષિણ ભારતની આધ્યાત્મિક પરંપરાનો અદ્ભુત સંગમ રચે છે.

વૈદિક વિદ્વાનો અને શ્રદ્ધાળુઓ સામેલ થઈ રહ્યા છે

હાટકેશ્વર મહાદેવના સાન્નિધ્યમાં ગુંજી રહેલા વેદમંત્રોના નાદ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો,સ્થાનિક રહીશો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો આ દિવ્ય મહોત્સવનો લાભ લઈ રહ્યા છે.પ્રારંભિક દિવસે ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પણ વિશેષ ઉપસ્થિત રહીને યજ્ઞમાં સહભાગી થઈ આશીર્વાદ મેળવ્યા હતા.આગામી 20 નવેમ્બર સુધી ચાલનારા આ મહાયજ્ઞ દરમિયાન દૈનિક ધોરણે વિશેષ પૂજા અને ધાર્મિક કાર્યક્રમો યોજાશે.જે ભારતની પ્રાચીન જ્ઞાન અને ભક્તિની ધરોહરને વધુ ઉજ્જવળ બનાવી રહ્યા છે.આ દસ દિવસીય ધાર્મિક અનુષ્ઠાનમાં દેશભરમાંથી વૈદિક વિદ્વાનો અને શ્રદ્ધાળુઓ સામેલ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Kishtwar News: કિશ્તવાડના જંગલમાંથી ગુમ થયેલા બે SPOના મૃતદેહ મળ્યા, આતંકીઓએ ગોળીઓથી વીંધી નાખ્યા