આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકો મોબાઈલ અને સ્ક્રીન પાછળ કલાકો વિતાવી રહ્યા છે, ત્યારે તેમને પોતાની મૂળ સંસ્કૃતિ અને વતનની માટી સાથે જોડવા માટે એક અનોખો અને પ્રેરણાદાયી અભિગમ જોવા મળ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાંડુ ખાતે પાંચ ગામના લેઉવા પાટીદાર સમાજ દ્વારા બાળકો માટે ‘હાલો ભેરુ ગામડે’ વિન્ટર કેમ્પનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જે હાલમાં જ સંપન્ન થયો છે.

અમદાવાદ, સુરત અને મુંબઈના 600થી વધુ બાળકોએ લીધો ભાગ

આ ભવ્ય વિન્ટર કેમ્પમાં અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા દેશના મહાનગરોમાં રહેતા 600થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સતત ત્રણ દિવસ સુધી આ શહેરી બાળકોએ મહાનગરોના યાંત્રિક જીવનથી દૂર રહીને ગ્રામીણ સંસ્કૃતિ, શુદ્ધ હવા અને વડીલોના હૂંફાળા વાતાવરણનો ભરપૂર લ્હાવો માણ્યો હતો. બાળકો માટે આ અનુભવ એક અદભુત અને યાદગાર સંસ્મરણ બની રહ્યો હતો.

મોબાઈલ છોડી ગિલોલ, લખોટી અને મોય-દંડાની જમાવટ

આજના સ્માર્ટફોન અને ટેકનોલોજીના યુગમાં ભુલાતી જતી આપણી પરંપરાગત દેશી રમતોને કેન્દ્રમાં રાખવામાં આવી હતી. બાળકોએ મોબાઈલથી સંપૂર્ણપણે દૂર રહીને ગિલોલ ચલાવવી, લખોટી રમવી, મોય-દંડા અને દોરડા કૂદવા જેવી અસંખ્ય દેશી રમતો રમીને બાળપણના અસલી આનંદની અનુભૂતિ કરી હતી. આ રમતોએ બાળકોમાં પારિવારિક અને સામુદ્રિક ભાવના પણ ઉજાગર કરી હતી.


Mehsana News 'Halo Bheru Gamde' Winter Camp Concludes in Bhandu, Visnagar, Connecting Kids to Village Roots (2)

પૌરાણિક ઓજારો અને ગ્રામીણ જીવનશૈલીનું પ્રત્યક્ષ જ્ઞાન

કેમ્પ દરમિયાન માત્ર મનોરંજન જ નહીં, પરંતુ બાળકોને આપણા વારસાનું પ્રત્યક્ષ જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું. બાળકોએ ઘોડેસવારી અને ઊંટસવારીની મજા માણવાની સાથે-સાથે ખેતીમાં વપરાતા હળ, અનાજ દળવાની પરંપરાગત ઘંટી તેમજ છાશ વલોવવાના વલોણા જેવા પૌરાણિક ઓજારો અને સાધનોની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. આંબાવાડીમાં કુદરતી વાતાવરણ વચ્ચે યોજાયેલ વનભોજન બાળકો માટે વિશેષ આકર્ષણનું મુખ્ય બન્યું હતું.

Mehsana News 'Halo Bheru Gamde' Winter Camp Concludes in Bhandu, Visnagar, Connecting Kids to Village Roots (1)

300 યુવાનોની મહેનત અને ગ્રામજનોના ઘરે રાત્રિ રોકાણ

આ વિશાળ કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક વિસ્તારના 300 જેટલા યુવાનોએ ખડેપડે રહીને ભારે જહેમત ઉઠાવી હતી. તમને જણાવી દઈએ કે, બહારથી આવેલા આ તમામ બાળકોનું ગ્રામજનોના પોતાના ઘરે જ રાત્રિ રોકાણની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ગ્રામજનોએ અતિથિ દેવો ભવની ભાવના સાથે બાળકોને પોતાના પરિવારના સભ્યની જેમ સાચવ્યા હતા, જેનાથી નવી પેઢીને વતનની માટી અને સંસ્કારો સાથે જોડવાનો આ અનોખો પ્રયાસ સફળ સાબિત થયો હતો.


આ પણ વાંચો: Mehsana News: ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી થશે