મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભીમપુર વરસંગ તળાવમાંથી પાઈપલાઈન મારફતે પાણી છોડવામાં આવતા સતલાસણા અને ખેરાલુ તાલુકાના 29 જેટલા તળાવ ભરાશે.જેનાથી જળસંચયને અભૂતપૂર્વ વેગ મળશે અને આ વિસ્તારના ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.હાલના સમયમાં સમયસર વરસાદ ન ખેંચાવાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા અને પાકને બચાવવા તથા સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ તાત્કાલિક ધોરણે સ્થાનિક ધારાસભ્ય સમક્ષ તળાવો ભરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. 

317 કરોડના ખર્ચે આ પાઈપલાઈન નંખાઈ હતી

ખેડૂતોની આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને અને પાઈપલાઈનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું હોવાથી સક્રિય પહેલ કરીને સરકારમાંથી જરૂરી મંજૂરી મેળવવામાં આવી હતી અને તળાવમાં પાણી છોડાવવામાં આવ્યું હતું.આ મહત્વપૂર્ણ અને રાહતદાયક પ્રસંગે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ધરોઈ વિભાગના જવાબદાર અધિકારીઓ,ખેરાલુ તથા સતલાસણા તાલુકાના વિવિધ ગામોના સરપંચો,પંચાયતના ડેલીગેટો,અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં આસપાસના ગામોના ખેડૂતો જોડાયા હતા.અગાઉ આ સમગ્ર વિસ્તારમાં પાણીની કાયમી સમસ્યા હલ કરવા માટે અને જળસંચયના ભાગરૂપે 317 કરોડના ખર્ચે આ પાઈપલાઈન નાખવામાં આવી હતી.

નર્મદાનું પાણી સૌપ્રથમ વરસંગ તળાવમાં નંખાય છે

આ યોજના અંતર્ગત નર્મદાનું પાણી સૌપ્રથમ વરસંગ તળાવમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ ત્યાંથી પાઈપલાઈન મારફતે આથમણા ભાગના ગામો તરફ પાણી છોડવામાં આવે છે.હાલમાં વરસાદ ખેંચાવાની વિકટ પરિસ્થિતિ વચ્ચે પાઈપલાઈન દ્વારા તળાવોમાં પાણી પહોંચાડવામાં આવતા ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને પશુધન તથા ખેતી માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.પોતાના વિસ્તારના ખેડૂતોની રજૂઆતને માન આપીને ત્વરિત ધોરણે પાણી છોડાવવાની વ્યવસ્થા કરવા બદલ ખેડૂતોએ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.સરકારના આ પગલાથી ખેડૂતોના ચહેરા પર ફરી રોનક પાછી આવી છે.

આ પણ વાંચોઃ Rajkot News: લોધિકા સંઘની ચૂંટણીમાં અરવિંદ રૈયાણીનો પરાજય, માધાપર બેઠક પર વિજય સખીયાની જીત