અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા મડાસણા ગામ પાસે સ્થાનિક રહીશો દ્વારા રાજેન્દ્ર નગર રોડ પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગતરોજ જ આ હાઇવે પર ટ્રકને સાઇડ આપવા જતાં કાર ડિવાઇડર સાથે અથડાવાથી એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ અધૂરા રસ્તાના કારણે દરરોજ સર્જાતા અકસ્માતોથી કંટાળેલા સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
વાહનોની લાંબી કતારો લાગી
વધતા જતા અકસ્માતો અને તંત્રની ઘોર બેદરકારી સામે આક્રોશે ભરાયેલા ગામલોકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ રોડ વચ્ચે બેસીને હાઇવે ચક્કાજામ કરી દેતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો અને રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થાનિકોનો સ્પષ્ટ આરોપ છે કે હાઇવેનું કામ લાંબા સમયથી અટકેલું હોવાથી જ નિર્દોષ વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
