ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જંગલ વિસ્તારમાં 41 પરપ્રાંતિય શ્રમિકો ફસાઈ ગયા હતા.આ શ્રમિકો અતિવૃષ્ટિને કારણે સુરક્ષિત સ્થળે જવા માટે લાચાર બન્યા હતા.પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ડાંગ કલેક્ટર અને પોલીસ વિભાગની ટીમોએ તાત્કાલિક અસરથી સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. દુર્ગમ જંગલ અને ખરાબ હવામાન હોવા છતાં બચાવ ટીમોએ સમયસૂચકતા વાપરીને શ્રમિકો સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

41 લોકોને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા

આ સફળ ઓપરેશનમાં કુલ 41 લોકોને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 21 પુરુષો, 9 મહિલાઓ અને 11 નાના બાળકોનો સમાવેશ થાય છે. સમયસર કરવામાં આવેલા આ બચાવ કાર્યને કારણે મોટી જાનહાનિ ટળી હતી.વહીવટી તંત્ર અને પોલીસની સક્રિયતા અને ત્વરિત પ્રતિભાવને કારણે આ તમામ લોકોના જીવ બચાવી શકાયા હતા, જેની લોકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.

41 શ્રમિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા 

સહીસલામત બહાર કાઢવામાં આવ્યા બાદ, તમામ 41 શ્રમિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.તંત્ર દ્વારા તેમના માટે તાત્કાલિક આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી હતી,તેમજ તેમને ભોજન અને તબીબી સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.મુશ્કેલ સમયમાં તંત્ર દ્વારા દાખવવામાં આવેલી આ માનવીય અભિગમ અને ત્વરિત કામગીરીએ અનેક પરિવારોના જીવ બચાવી લેતા રાહતની લાગણી પ્રસરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: આ 7 મુદ્દામાં સમજો કેવી રીતે ખેડૂતોને વીજ પોલ માટેનું વળતર મળશે?