ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે.આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે. ત્યારે જાણો આ સાત મુદ્દામાં ખેડૂતોને કેવી રીતે વળતર મળી શકશે.
1.અત્યાર સુધી ખેડૂતોના ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર 200% લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. તેમાં મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવના બમણા ભાવ ચૂકવવાનો નિર્ણય કરાયો છે.
2.અત્યાર સુધી ખેતરમાં નંખાતા વીજ ટાવરના બેઝ વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતું હતું.હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે; 765 કે.વી.લાઇનમાં અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું. જેમાં હવેથી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરી તે મુજબ વધારીને 729 ચોરસ મીટર લેખે ચૂકવવામાં આવશે.
3.અગાઉ જમીનમાલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચુકવણી થતી હતી.તેના બદલે જમીનમાલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવાશે. અગાઉ ત્રણ તબક્કામાં ચુકવણાના બદલે એકી સાથે શરૂઆતમાં જ 100 % ચુકવણું થશે.
4. ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા રાજ્ય સરકાર દ્વારા MRCની રચના કરવામાં આવશે.આ સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડુતોના ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅરને સ્થાન આપવામાં આવશે. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિમાં કલેક્ટર, જમીનમાલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમીશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ પણ હશે.
5. વીજ લાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે MRC દ્વારા નિર્ધારીત થયેલ બજાર કિંમતના આધારે વિસ્તાર મુજબ વળતર અપાશે.જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 60% મુજબ વળતર આપવામાં આવશે.
6. જે ખેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય પરંતુ વીજ લાઇનનું કામ હજી પ્રગતિમાં હોય તેવા તમામ ખેડૂતોને આ નીતિનો લાભ મળવાપાત્ર રહેશે.
7. જો વળતર અપૂરતું લાગે તો કોર્ટ કે સિવિલ કોર્ટમાં અપીલ થઈ શકશે. અગાઉ જે લોકોના વિવાદ ચાલે છે તે માટે સરકાર વિચારણા કરીને વિગતવાર ગાઈડ લાઈન નક્કી કરીને ઠરાવમાં જાણ કરાશે
આ પણ વાંચોઃ Gandhinagar News : જે ખેતરમાંથી વીજ લાઈન જતી હોય તેની સહાયમાં વધારો, જમીનના વર્તમાન ભાવ કરતાં બમણો ભાવ અપાશે