સાપુતારા અને પ્રકૃતિના ખોળે ખૂંપેલા ડાંગ જિલ્લામાં મેઘરાજાએ તોફાની તાંડવ મચાવ્યું છે. પહાડી વિસ્તારો પર ચોમાસાની સિઝનનો સૌથી ભારે વરસાદ વરસતાં ડાંગ જિલ્લો સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના નીચાણવાળા જિલ્લાઓ નવસારી અને વલસાડ તરફ વહી જતી તમામ નદીઓનું ઉદ્ગમસ્થાન ડાંગ હોવાથી, અહીં પડેલા અતિભારે વરસાદની સીધી અસર હેઠવાસના વિસ્તારો પર પણ જોવા મળી રહી છે.

 ડાંગ જિલ્લામાં ચો તરફ પૂરના પાણી

https://www.instagram.com/reel/DbH8-dKExvB/?utm_source=ig_web_button_share_sheet

ડાંગના વઘઈ તાલુકામાં મુસળધાર વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન ડાંગના વઘઈ તાલુકામાં 14 ઇંચ કરતાં પણ વધુ મુસળધાર વરસાદ ખાબક્યો છે. જ્યારે આહવામાં 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અનરાધાર વરસાદના પરિણામે ડાંગની લોકમાતા ગણાતી અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં એકસાથે ઘોડાપૂર આવ્યા છે. નદીઓ ભયજનક સપાટી વટાવીને ગાંડીતૂર બનીને વહી રહી છે, જેના કારણે ચો તરફ પૂરના પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે.

પ્રવાસીઓ અને સ્થાનિકો માટે એડવાઇઝરી

ડાંગના અંતરિયાળ અને પહાડી ગામડાઓને જોડતા અનેક લો-લેવલ કોઝવે અને નાળાં પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના પરિણામે વઘઈ અને આહવા તાલુકાના અનેક ગામોનો સંપર્ક મુખ્ય માર્ગોથી અસ્થાયી રૂપે કપાઈ ગયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. સાથે જ, સાપુતારા અને ડાંગના પ્રવાસન સ્થળોએ આવતા પ્રવાસીઓને પણ તોફાની બનેલી નદીઓ અને ધોધ નજીક ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા તમામ તાલુકા મથકો પર કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રેસ્ક્યૂ ટીમોને સજ્જ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: ચોમાસામાં બીજી વખત સુરતમાં ખાડી પૂરની કટોકટી, પર્વત પાટિયાની માધવબાગ સોસાયટીના 400થી વધુ ઘરો ગરકાવ