દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત વચ્ચે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારો પર ખાડી પૂરે ફરી એકવાર ભારે વિનાશ નોતર્યો છે. સુરત શહેર અને ઉપરવાસમાં પડેલા અવિરત તોફાની વરસાદને કારણે શહેરની મીઠી ખાડી, સીમાડા ખાડી અને સેના ખાડી સહિતની તમામ ખાડીઓના જળસ્તર ભયજનક સપાટી વટાવીને ઉભરાઈ ગયા છે. વર્તમાન ચોમાસામાં બીજી વખત સુરત શહેર ખાડી પૂરની ભયાનક ઝપેટમાં આવ્યું છે.

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પૂર

સૌથી વિષમ સ્થિતિ સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં સર્જાઈ છે. પર્વત પાટિયા સ્થિત માધવબાગ સોસાયટીના ૪૦૦થી વધુ ઘરોમાં ખાડીના ગંદા પૂરના પાણી ઘૂસી જતાં સમગ્ર સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ છે. ઘરોમાં 3 થી 4 ફૂટ પાણી ફરી વળતાં અનાજ અને ઘરવખરીનો સામાન નષ્ટ થઈ ગયો છે. દર વર્ષે સર્જાતી આ માનવસર્જિત ખાડી પૂરની આફતથી કંટાળેલા સ્થાનિક રહીશોમાં તંત્ર અને સ્થાનિક નેતાઓ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "નેતાઓ માત્ર મત માગવા આવે છે, કાયમી ઉકેલ કે કામ માટે કોઈ ડોકાતું નથી."

સારોલી પોલીસ સ્ટેશન અને ગામનો સંપર્ક તૂટ્યો

બીજી તરફ, સુરત કાપોદ્રા-સારોલી પંથકમાં ખાડી ઓવરફ્લો થતાં સારોલી ગામમાં ૬ થી ૭ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. સારોલી પોલીસ સ્ટેશન પરિસર તથા અંદરના ભાગે 5 થી 6 ફૂટ પાણી ફરી વળતાં સમગ્ર પોલીસ સ્ટેશન જળમગ્ન બની ગયું છે. પાણીના ભારે પ્રવાહના કારણે સારોલી ગામમાંથી બહાર જવાનો અને પોલીસ સ્ટેશન જવાનો મુખ્ય રસ્તો તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે.

ઓલપાડ અને કીમમાં જળબંબાકાર

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અનરાધાર વરસાદથી સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ઓલપાડની સેના ખાડીમાં ધસમસતા પાણીની આવક થતાં ખાડીના પાણી નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે. ઓલપાડના બાવા ફળિયા અને રૂઢી ફળિયા માર્ગ તેમજ આસપાસની ૩ જેટલી મોટી સોસાયટીઓના મુખ્ય રસ્તાઓ પર 2 થી 3 ફૂટ પાણી વહી રહ્યા છે.

 કીમની અમૃતનગર સોસાયટી પૂરના પાણીમાં ગરકાવ

જ્યારે કીમ પંથકમાં પડેલા મુસળધાર વરસાદથી કીમની અમૃતનગર સોસાયટી પૂરના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કીમ સ્થિત પ્રસિદ્ધ શિવ મંદિરમાં પૂરના પાણી ઘૂસી જતાં મંદિરનું શિવલિંગ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું છે અને મંદિરની સામે આવેલા રહેણાંક ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત પાલિકા અને જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પમ્પિંગ અને રેસ્ક્યૂ બોટ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદથી ખાડી ઉભરાઈ, કડોદરા રોડ બંધ થતાં વાહનચાલકો પરેશાન