સુરત શહેર અને જિલ્લામાં પણ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. સુરત શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસી રહેલા તોફાની વરસાદના કારણે શહેરની આસપાસમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં ભયજનક વધારો નોંધાયો છે.
ભારે વરસાદથી ખાડી ઓવરફ્લો
ઉપરવાસ અને સ્થાનિક વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી ખાડીઓ ઓવરફ્લો થઈ જતાં ખાડીના બેકવોટરના પાણી સીધા સુરત-કડોદરા રોડ પર ઘૂસી ગયા છે. રસ્તા પર અચાનક પૂર જેવા પાણી ફરી વળતાં 2 થી 3 ફૂટ સુધીનો જળભરાવ થઈ ગયો છે. સુરતને કડોદરા નેશનલ હાઇવે સાથે જોડતો આ અત્યંત મહત્વપૂર્ણ અને વ્યસ્ત માર્ગ હોવાથી, સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા બંને બાજુનો વાહનવ્યવહાર ત્વરિત અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે.
હજારો વાહનચાલકો અટવાયા
કડોદરા તરફથી સુરત શહેરમાં નોકરી-ધંધા કે ઉદ્યોગો માટે આવતા હજારો લોકો માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે રસ્તા વચ્ચે જ અટવાઈ પડ્યા છે. અનેક કાર અને ટુ-વ્હીલર વાહનોના એન્જિનમાં પાણી ઘૂસી જતાં વાહનો બંધ પડી ગયા હતા. રસ્તો બંધ થતાં માર્ગની બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકાના ફ્લડ કંટ્રોલ રૂમ અને ટ્રાફિક પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વાહનોને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાડીનું સ્તર ઘટ્યા બાદ જ આ માર્ગ પર વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર કડોદરા-સુરત માર્ગ પર પ્રવાસ ન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Bharuch: રાત્રીથી શરૂ થયેલા સાર્વત્રિક વરસાદથી સમગ્ર ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ