વલસાડ અને નવસારી બાદ હવે ભરૂચ જિલ્લા પર પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગઈકાલે રાત્રિથી જ મેઘરાજા મુસળધાર વરસી રહ્યા છે. સવારથી વરસાદની તીવ્રતામાં ભારે વધારો થતાં ભરૂચ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. હવામાન વિભાગ દ્વારા પરિસ્થિતિની ગંભીરતા જોઈને આગામી ૩ કલાક માટે ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

 ભરૂચમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

https://www.instagram.com/reel/DbHxnHLj7_i/?utm_source=ig_web_button_share_sheet

ભરૂચ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર જળબંબાકાર

સતત વરસી રહેલા વરસાદના કારણે ભરૂચના સૌથી વ્યસ્ત ગણાતા સેવાશ્રમ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. માર્ગો નદીઓમાં ફેરવાઈ જતાં રસ્તા પરથી પસાર થઈ રહેલી કાર અને મોટરસાયકલોના એન્જિનમાં પાણી ઘૂસી જવાથી અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા હતા. વાહનચાલકોને પોતાના વાહનો ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવાનો વારો આવ્યો હતો.

જિલ્લા શિક્ષણાધિકારી (DEO) નો આદેશ

વરસાદી આફત અને રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાની અન્ય શાળાઓને પણ પોતપોતાના વિસ્તારની સ્થાનિક પરિસ્થિતિ અને પાણી ભરાવાની ગંભીરતા જોઈને ત્વરિત રજા અંગે નિર્ણય લેવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. ભરૂચ નગરપાલિકા અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, સતત વરસી રહેલા વરસાદના કારણે પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Valsad: દાદરા નગરહવેલીમાં પૂર વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન! તલાવલી અને તોટાડ ગામમાંથી 32 લોકોને ઉગારી લેવાયા