સમગ્ર દક્ષિણ ગુજરાત અને આસપાસના સંઘપ્રદેશ વિસ્તારોમાં વરસી રહેલા તોફાની વરસાદની સીધી અસર દાદરા અને નગરહવેલીમાં પણ જોવા મળી રહી છે. ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદના કારણે સ્થાનિક નદી-નાળાઓ ઉભરાતાં દાદરા નગરહવેલીના ગ્રામીણ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ખાસ કરીને તલાવલી અને તોટાડ ગામના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા.
સંઘપ્રદેશ વિસ્તારોમાં ગ્રામીણ વિસ્તારો પાણીમાં ગરકાવ
https://www.instagram.com/reel/DbHtLcJDCYo/?utm_source=ig_web_button_share_sheet
દાદરા નગરહવેલીના ગ્રામીણ વિસ્તારો પાણીમાં ગરકાવ
પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં તલાવલી અને તોટાડ ગામના અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પરિણામે લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા. ઘટના અંગે જાણ થતાં જ દાદરા અને નગરહવેલી વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
જીવના જોખમે હાથ ધરાયું ઓપરેશન
તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રબર બોટ અને લાઈફ જેકેટ સહિતના સાધનો વડે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પૂરના પાણીમાં ફસાયેલા ૩૨ જેટલા નાગરિકો, મહિલાઓ અને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા તમામ લોકોને સલામત સ્થળે આવેલા આશ્રયસ્થાન ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના માટે ભોજન અને તબીબી તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.સંઘપ્રદેશના ડિઝાસ્ટર વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, તમામ અસરગ્રસ્ત ગ્રામીણ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો હજુ પણ વરસાદનું જોર વધશે તો નીચાણવાળા અન્ય ગામોમાંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો: Bhavnagar: કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાનું કાવતરું ફ્લોપ, પોલીસ દ્વારા વધુ બે આરોપીઓની અટકાયત