અમરેલી જિલ્લા પર મેઘરાજા જાણે આફત બનીને તૂટી પડ્યા છે. જિલ્લાના બે પ્રમુખ પંથકો સાવરકુંડલા અને લીલીયામાં વિતેલા કલાકો દરમિયાન આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. સાવરકુંડલાના મઢડા, લીખાળા અને ગાધકડામાં ભારે વરસાદ બાદ ભમરગામની જામવાળી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ પૂરના ધસમસતો પ્રવાહમાં એક લો-લેવલ નાળા પર ફસાયેલી કાર પાણીના પ્રચંડ વેગમાં તણાઈને નદીની વચ્ચે પહોંચી ગઈ હતી. જોકે, સ્થાનિક ગ્રામજનોએ ભારે હિંમત દાખવી તાત્કાલિક ટ્રેક્ટર અને દોરડાની મદદથી કારને બહાર ખેંચી કાઢી હતી અને કાર માલિકનો આબાદ બચાવ થયો હતો.
લીલીયા પંથકમાં પૂરની સ્થિતિ અને પશુધન તણાયું
બીજી તરફ, લીલીયા પંથક અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. લીલીયા સહિતના અનેક ગામોમાં મુશળધાર વરસાદ ખાબકતા ગામની શેરીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ઉપરવાસના પાણીની ભારે આવકના કારણે સ્થાનિક નાવલી નદીના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે. નદીના પ્રચંડ પ્રવાહમાં એક ગાય તણાઈ હોવાની ચિંતાજનક ઘટના સામે આવી છે, જેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
