અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ચાલુ વર્ષે અત્યંત ઓછો અને અનિયમિત વરસાદ નોંધાતાં ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. સમયસર વરસાદ ન પડવાને કારણે ખેતરોમાં ઉભા પાક સુકાવા લાગ્યા છે. મકાઈ, સોયાબીન, કપાસ અને મગફળી જેવા મુખ્ય ખરીફ પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો આર્થિક પાયમાલીના આરે આવીને ઊભા રહ્યા છે.

જળાશયોમાં માત્ર 25% પાણી, શિયાળુ વાવેતર સામે સંકટ

તાલુકાના તળાવો અને જળાશયોમાં હાલમાં માત્ર 25% જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પાણીના અભાવે આગામી શિયાળુ સીઝનમાં વાવેતર કેવી રીતે કરવું અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કેમ કરવી તેને લઈને પશુપાલકો અને ખેડૂતોમાં ગંભીર ચિંતા વ્યાપી ગઈ છે.

ખેડૂત એકતા મંચે મામલતદારને આવેદનપત્ર સોંપ્યું

ખેડૂતોની આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 'ખેડૂત એકતા મંચ' દ્વારા મામલતદારને એક આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં મેઘરજ તાલુકાને તાત્કાલિક અસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી બુલંદ માંગણી કરવામાં આવી છે.

રાહત પેકેજ, ઘાસચારો અને ધિરાણમાં રાહત આપવા માગ

ખેડૂત સંગઠન દ્વારા આવેદનપત્રમાં મુખ્યત્વે પાક નુકસાની બદલ યોગ્ય સહાય અને વિશેષ રાહત પેકેજ આપવાની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, પશુપાલકોને રાહત દરે ઘાસચારો પૂરો પાડવા તેમજ ખેતીવાડીના વીજ બિલ અને કૃષિ ધિરાણમાં રાહત અથવા માફી આપવાની પ્રબળ માગ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Aravalli News: શામળાજીના શામળપુરમાં સનસનાટી, ગૃહકંકાસમાં પતિએ કુહાડીના ફટકા મારી પત્નીની કરી હત્યા