અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ અમીદ્રષ્ટિ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાં વાદળો બંધાતા હોવા છતાં વરસાદ ન પડવાને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, મોડી રાત્રે અંધારપટ વચ્ચે અચાનક આકાશમાં વીજળીના કડાકા-ભડાકા શરૂ થયા હતા અને મેઘરજ તેમજ માલપુર તાલુકા સહિતના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
મકાઈ અને સોયાબીનના વાવેતરને અમૃત મળ્યું
અરવલ્લી જિલ્લો એ દેશભરમાં મકાઈ અને સોયાબીનના ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે જાણીતો છે. ચાલુ ખરીફ સીઝનની શરૂઆતમાં વાવણી કર્યા બાદ વરસાદ ગાયબ થઈ જતાં પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે પડેલો આ ગાજવીજ સાથેનો વરસાદ ખાસ કરીને મકાઈ અને સોયાબીનના છોડ માટે 'ટોનિક' નું કામ કરશે. વરસાદી પાણી જમીનમાં ઉતરતા જ પાકને જરૂરી નાઇટ્રોજન અને ભેજ મળી રહેશે, જેથી ઉત્પાદન વધવાની આશા જીવંત થઈ છે.
