વલસાડમાં નેશનલ હાઈવે 48 (NH-48) ની દશા ચાલુ ચોમાસાના પ્રથમ વરસાદે જ બગાડી નાખી છે. વલસાડથી શરૂ કરીને વાપી સુધીના સમગ્ર હાઈવે પર એટલા મોટા ખાડા પડી ગયા છે કે વાહનચાલકો માટે જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે. આ બિસ્માર હાઈવેની વ્યાપક ફરિયાદો વચ્ચે, મોડી રાત્રે ઉદવાડા નજીક ઓવરબ્રિજ પર હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા વિજ્ઞાન અને એન્જિનિયરિંગના તમામ નિયમોને નેવે મૂકીને રોડ રિપેરિંગની અનોખી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાત્રિના અંધારામાં ભ્રષ્ટાચારનું પેચવર્ક
સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતા જાગૃત વાહનચાલકોના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે એકતરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને બ્રિજની સપાટી પાણીથી લથબથ હતી. આવી સ્થિતિમાં કોન્ટ્રાક્ટરના માણસોએ ટ્રેક્ટર અને મશીનરી લાવીને પાણીની ઉપર જ ગરમ ડામર અને મિક્સ કપચી પાથરવાનું શરૂ કરી દીધું હતું. ડામરના રોડ માટે પાયાની શરત એ છે કે સપાટી બિલકુલ સૂકી હોવી જોઈએ, કારણ કે પાણીના સંપર્કમાં આવતા જ ડામર પોતાની પકડ ગુમાવી દે છે. આ જાણવા છતાં રાત્રિના સમયે થયેલું આ કામ માત્ર સરકારી ચોપડે કાગળો સરખા કરવાનો ખેલ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
