દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક તોફાની વરસાદી બેટિંગ વચ્ચે ભરૂચ જિલ્લામાં પૂરની કટોકટીભરી સ્થિતિ સર્જાઈ છે. અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતી આમલાખાડીમાં ઉપરવાસના વરસાદને કારણે ભયાનક ઘોડાપૂર આવ્યું છે. ખાડીના પૂરના પાણી રોડ પર ફરી વળતાં અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

 ભરૂચ જિલ્લામાં પૂરની કટોકટીભરી સ્થિતિ સર્જાઈ

હાઇવે પર આવેલા કડકડીયા કોલેજ નજીકનું કામચલાઉ ડાઇવર્ઝન પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં હાંસોટ અને સુરત વચ્ચેનો વાહનોનો વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. અંકલેશ્વર પોલીસે સુરક્ષાના ભાગરૂપે માર્ગ પર બેરિકેટિંગ કરીને વાહનોની અવરજવર અટકાવી દીધી છે. આ ઉપરાંત, અંકલેશ્વરના પીરામણ ગામથી GIDC ને જોડતો મુખ્ય રેલવે અંડરબ્રિજ કમરબૂડ પાણીમાં ગરકાવ થઈ જતાં નોકરિયાતો અને સ્થાનિક વાહનચાલકો રસ્તા વચ્ચે જ આફતમાં મુકાયા હતા.

વાલિયા-વાડી માર્ગ પર બે ડાઇવર્ઝન ધોવાયા

ભરૂચના વાલિયા પંથકમાં પણ વરસાદી તાંડવ જોવા મળ્યો છે. વાલિયા-વાડી મુખ્ય માર્ગ પર પૂરના પાણી ફરી વળતાં આ માર્ગ વાહનવ્યવહાર માટે તદ્દન બંધ થઈ ગયો છે. ખાસ કરીને ડહેલી-રાજપરા પાસે નદીમાં આવેલા પ્રચંડ પૂરના વેગમાં વાહનોની અવરજવર માટે બનાવાયેલા બંને ડાઇવર્ઝન તણાઈને ધોવાઈ ગયા છે. ડાઇવર્ઝન વહી જતાં વાલિયા અને વાડી વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે અને અનેક મુસાફરો તથા માલવાહક વાહનો રસ્તા પર જ અટવાઈ પડ્યા છે.

ભરૂચ શહેરના મુખ્ય બજારોમાં ભરાયા પાણી

બીજી તરફ, ભરૂચ શહેરમાં પણ મુસળધાર વરસાદથી નીચાણવાળા તમામ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ભરૂચ શહેરના મુખ્ય વેપારી મથકો જેવા કે ફાટાતળાવ, ચાર રસ્તા, ફુરજા અને ગાંધી બજારમાં 1 થી 2 ફૂટ સુધીના વરસાદી પાણી ભરાઈ ગયા છે. બજારોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક વેપારીઓનો માલસામાન બગડવાની ભીતિ સેવાઈ રહી છે અને વેપાર-રોજગાર ઠપ્પ થઈ ગયો છે.

નાગરિકોને ઘરની બહાર ન નીકળવા અપીલ

પરિસ્થિતિની ગંભીરતાને જોઈને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ પૂર અને જળભરાવ વાળા વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. તંત્ર દ્વારા જેસીબી અને પમ્પિંગ મશીનરી વડે પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરાઈ છે, સાથે જ તમામ નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા કડક અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Narmada: વહેલી સવારથી અતિભારે વરસાદથી તારાજી, કરજણ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડાશે