નર્મદા જિલ્લાના સાતપુડા અને વિંધ્યાચલ પર્વતમાળાના જંગલ વિસ્તારમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં વહેલી સવારથી તૂટી પડેલા મુસળધાર અને આકાશી વરસાદના કારણે નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. તોફાની વરસાદને પગલે બંને તાલુકાના માર્ગ વ્યવહાર પર ભયાનક અસર પડી છે.

જંગલ વિસ્તારમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

ચિકડા તાલુકા હેઠળ આવતા ઉમરાણ ગામે નદી પરનો કામચલાઉ ડાઇવર્ઝન પૂરના અતિશય ધસમસતા પ્રવાહમાં તણાઈને ધોવાઈ ગયો છે. ડાઇવર્ઝન ધોવાઈ જવાની આ ઘટનાને પગલે ઉમરાણ અને તેની આસપાસના 7 જેટલા અંતરિયાળ ગામોનો તાલુકા અને જિલ્લા મથક સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. રસ્તો તૂટી જતાં ઇમરજન્સી સેવાઓ અને વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

કરજણ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડાશે

ડેડીયાપાડા અને સાગબારાના ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદને કારણે નર્મદા જિલ્લાના મહત્વકાંક્ષી કરજણ ડેમમાં પાણીની ભયાનક આવક થઈ છે. ડેમનું રુલ લેવલ સાચવવું અનિવાર્ય બનતાં વહીવટી તંત્ર દ્વારા બપોરે 12 વાગ્યે કરજણ ડેમના 2 દરવાજા ખોલીને કરજણ નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. ડેમમાંથી પાણી છોડાવાનું હોવાથી કરજણ નદીના કિનારે આવેલા તમામ નીચાણવાળા ગામોને તાત્કાલિક અસરથી હાઇ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

નદીના કિનારે હાઇ એલર્ટ 

અવિરત વરસાદ અને પૂરના કારણે ડેડીયાપાડાથી સાગબારા તરફ જતા તમામ મુખ્ય માર્ગો અને ના ચેકપોસ્ટ એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે ડેડીયાપાડા અને સાગબારાને જોડતા તમામ માર્ગો પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર વિભાગે લોકોને બિનજરૂરી પ્રવાસ ન કરવા અને તૂટેલા ડાઇવર્ઝન કે ઓવરફ્લો થતાં નાળાં ઓળંગવાનો પ્રયાસ ન કરવા કડક અપીલ કરી છે.

આ પણ વાંચો: Navsari Rain: પૂર્ણા અને કાવેરી નદીના પૂરથી શહેર ઘેરાયું, ચીખલીમાં 15થી વધું લોકોનું સાહસિક રેસ્ક્યૂ