ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી જ મુશળધાર ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સતત વરસી રહેલા આ વરસાદના કારણે સામાન્ય જનજીવન પર માઠી અસર પડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સાવચેતીના પગલે આજે અંકલેશ્વર વિસ્તારની તમામ શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે.

જંબુસરના કહાનવા ગામે જળબંબાકાર

બીજી તરફ ભરૂચના જંબુસર તાલુકામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. જંબુસરના કહાનવા ગામ અને આસપાસના સીમ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી પડતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરો પાણીથી બેટમાં ફેરવાઈ જતાં ખેડૂતોનો કપાસનો પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે ચોમાસાની શરૂઆતમાં જ જગતના તાતને મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની રેડ એલર્ટ, વહીવટી તંત્ર સજ્જ

હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદની 'રેડ એલર્ટ' આપવામાં આવી છે. આગામી કલાકોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતાઓને જોતાં જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળા કાંઠે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે તથા કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને સતર્ક કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Monsoon 2026 : આણંદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રેડ એલર્ટ વચ્ચે ઉમરેઠ અને પેટલાદમાં જળબંબાકાર