ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાના તોફાની ઇનિંગના કારણે પૂરની ભયાવહ સ્થિતિ પેદા થઈ છે. વાલિયા તાલુકાના સિલુડી ગામમાં આભ ફાટ્યું હોય તેમ વરસેલા અતિભારે વરસાદના લીધે સ્થાનિક કોતરોના પાણી આખા ગામમાં ફરી વળ્યા છે. જોતજોતામાં ગામના તમામ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા અને ઘરોની આસપાસ કમર સુધીના પાણી ભરાઈ જતાં ગ્રામજનો પોતાના જ ઘરોમાં કેદ થઈ ગયા હતા.
કાચા મકાનો ધરાશાયી, 15 લોકોનો ચમત્કારિક બચાવ
પૂરના પાણીના સતત ભેજ અને દબાણના કારણે ગામમાં આવેલા ૩થી વધુ જુના અને કાચા મકાનોની દિવાલો અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. સદનસીબે દિવાલ તૂટવાના સમયે જાનહાનિ ટળી હતી અને અંદર હાજર 15થી વધુ લોકોનો આબાદ બચાવ થયો હતો. જોકે, 10થી વધુ મકાનોમાં પૂરના ગંદા પાણી ઘૂસી જતાં અનાજ, કપડાં, ગાદલાં અને ઘરવખરીનો તમામ સામાન સંપૂર્ણપણે પલળી જતાં કફોડી હાલત થઈ છે.
