કેન્દ્રીય રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદની મુલાકાત લઈને ગુજરાતના વિકાસને લગતા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સને ગતિ આપવા સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના ટેકનોલોજી સેક્ટર માટે સૌથી મોટા સમાચાર સાણંદથી આવ્યા છે. સાણંદમાં સ્થપાનારો ભારતનો ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ, જેનું નામ 'CG સેમી OSAT' (CG Semi OSAT) છે, તે દેશની ચિપ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની યાત્રામાં ગેમ ચેન્જર સાબિત થશે. મંત્રીએ જણાવ્યું કે આ ગ્લોબલ પ્લાન્ટનું કામ પૂર્ણતાના આરે છે અને તેનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
ગુજરાત બનશે ગ્લોબલ ટેક એન્ડ ટ્રેન હબ
https://twitter.com/sandeshnews/status/2073294060488675729
અમદાવાદ સિટી ટ્રાફિક અને સ્ટેશનોનો મેકઓવર
સ્થાનિક કનેક્ટિવિટી સુધારવા માટે કેન્દ્રીય મંત્રીએ પશ્ચિમ અને પૂર્વ અમદાવાદને સાંકળતા પ્રોજેક્ટ્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શહેરમાં વાહનોની સરળ અવરજવર માટે અને ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે અમદાવાદના ઓમનગર અંડરપાસનું કામ આગામી નવરાત્રિ તહેવાર પહેલા જ કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવા રેલવે અને સ્થાનિક વહીવટી તંત્રને કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અસારવા રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવવાની પ્રક્રિયા તેજ કરી દેવાઈ છે, જેથી ભવિષ્યમાં આ સ્ટેશન તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટ્રલ પરિવહન હબ બની શકે. કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવા માટે શાહપુર વિસ્તાર અને સાબરમતી સ્ટેશન તરફ જતા એપ્રોચ રોડના વિસ્તરણ અંગે પણ વ્યાપક ચર્ચા અને આયોજન કરાયું હતું.
બુલેટ ટ્રેનનું સપનું ટૂંક સમયમાં થશે સાકાર
ભારતના પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ એટલે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કરતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેક નાખવાનું કામ અત્યંત ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટના ચોક્કસ રૂટ્સને તબક્કાવાર રીતે સામાન્ય જનતા માટે ખુલ્લા મુકવાની અને ઉદ્ઘાટન કરવાની અપેક્ષા સેવાઈ રહી છે. આ તમામ પ્રોજેક્ટ્સ આગામી સમયમાં ગુજરાતની આર્થિક પ્રગતિ, ઔદ્યોગિક રોકાણ અને રોજગાર નિર્માણ માટે નવા આશીર્વાદ સમાન સાબિત થશે.
આ પણ વાંચો: Ahmedabad: રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન, છરી-ચપ્પા સાથે 3ની અટકાયત