અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી ઇસનપુર પોલીસ સ્ટેશને કમર કસી છે. ઇસનપુર પોલીસના પી.આઇ. સહિત 36 જેટલા મજબૂત પોલીસ અધિકારીઓ અને જવાનોની અલગ-અલગ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં મોડી રાત્રે સરપ્રાઇઝ કોમ્બિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.
રથયાત્રા પૂર્વે ઇસનપુર પોલીસનું મેગા કોમ્બિંગ
https://twitter.com/sandeshnews/status/2073292441650864320
હથિયારધારીઓ અને નશાખોરો સામે કડક પગલાં
આ મેગા ઓપરેશન દરમિયાન પોલીસે વિસ્તારના જાહેર રસ્તાઓ, અવાવરું જગ્યાઓ અને નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન જાહેર સ્થળો પર ગેરકાયદેસર રીતે તીક્ષ્ણ છરી અને ચપ્પા જેવા ઘાતક હથિયારો રાખીને ફરતા ૩ ઇસમોને પોલીસે ઝડપી પાડી તેમની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી જેલભેગા કર્યા હતા. આ ઉપરાંત નશાબંધી કાયદાનો ભંગ કરનારા તત્વો સામે લાલ આંખ કરીને ૨ પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા છે, જ્યારે દારૂ પીને બેફામ વાહન ચલાવતા એક શખ્સ સામે મોટર વાહન અધિનિયમ (MV Act) ની કલમ-૧૮૫ (ડ્રંકન ડ્રાઇવ) હેઠળ ગુનો નોંધી તેનું વાહન જપ્ત કરવામાં આવ્યું છે.
અસામાજિક તત્વોની યાદી ચકાસાઈ, હોટલોનું સ્કેનિંગ
પોલીસ કાફલાએ ઇસનપુર વિસ્તારના લિસ્ટેડ 11 જેટલા અસામાજિક તત્વોના આશ્રયસ્થાનો પર જઈને તેમની હાજરી અને પ્રવૃત્તિઓની ચકાસણી કરી હતી અને તેમને રથયાત્રા સુધી શાંતિ જાળવવા કડક તાકીદ કરી હતી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા 10 જેટલા વાહનોને રોકીને તેમની તલાશી લેવાઈ હતી, જેમાં નિયમભંગ બદલ સ્પોટ પર વાહન ડિટેન્શન મેમો ફાડીને કુલ રૂ. 4,500નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. આ ડ્રાઇવ દરમિયાન બહારથી આવતા શંકાસ્પદ લોકો પર નજર રાખવા માટે વિસ્તારની તમામ નાની-મોટી હોટલોના રજિસ્ટર ચેક કરાયા હતા અને મોડી રાત સુધી ધમધમતી ચાની કિટલીઓ પર એકત્ર થતા અસામાજિક તત્વોને વિખેરી દઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: Rajkot: વોર્ડ 18ના કોઠારીયા અને વિરાણી અઘાટમાં દોઢ ઇંચ વરસાદમાં રોડ તૂટ્યા, અકસ્માતનું જોખમ વધ્યું