રાજકોટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચોમાસાના પ્રારંભિક રાઉન્ડમાં જ હવા નીકળી ગઈ છે. શહેરમાં વરસેલા માત્ર દોઢ ઇંચ વરસાદે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના રોડ કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોની કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના વોર્ડ નંબર 18માં સમાવિષ્ટ વિરાણી અઘાટ મેઇન રોડ તેમજ કોઠારીયા રોડ પર વરસાદી પાણીના કારણે ડામરના પડ ઉખડી ગયા છે અને રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે.

 કોઠારીયા રોડ બિસ્માર હાલતમાં

https://twitter.com/sandeshnews/status/2073299841153995092

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને સામાન્ય જનતા અટવાઈ

વિરાણી અઘાટ એ રાજકોટનો અત્યંત ધમધમતો અને મહત્વનો વિસ્તાર છે, જ્યાં મોટા પાયે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો અને વેરહાઉસ આવેલા છે. અહીં દિવસ-રાત ભારે માલવાહક ટ્રકોની અવરજવર રહે છે. રોડ મધ્યમાંથી તૂટી જવાના કારણે અને રસ્તા પર મસમોટા ખાડા પડી જવાના કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે, એટલું જ નહીં લોડિંગ વાહનો પલટી ખાઈ જવાની કે ખાડામાં ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઉપરાંત, આસપાસના મોટા રહેણાંક વિસ્તારના હજારો લોકો પણ આ તૂટેલા રસ્તાના લીધે ટ્રાફિક જામ અને હાલાકીનો સામનો કરી રહ્યા છે.

લાઇન નાખ્યા બાદ રસ્તો ન બનાવતા ભ્રષ્ટાચારની ગંધ

સ્થાનિક લોકો અને વેપારી મંડળના અગ્રણીઓએ ભારે આક્રોશ સાથે જણાવ્યું છે કે, તાજેતરમાં જ કોન્ટ્રાક્ટર દ્વારા આ વિસ્તારમાં સબ વોટર સિસ્ટમની પાઇપલાઇન નાખવા માટે રોડનું ખોદકામ કરવામાં આવ્યું હતું. લાઇન નખાઈ ગયા પછી નિયમ મુજબ રોડને ફરીથી ડામર કે સિમેન્ટથી પાકો કરવાનો હોય છે, પરંતુ રગશિયા ગાડાની જેમ ચાલી રહેલા તંત્રએ કાચું પુરાણ કરીને કામ પૂરું કરી દીધું હતું. પરિણામે, મોન્સૂન સિઝનના આ પ્રથમ દોઢ ઇંચ વરસાદમાં જ તમામ માટી અને કપચી ધોવાઈ ગઈ છે અને રસ્તો જોખમી બની ગયો છે. વાહનચાલકોમાં સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, ત્યારે સ્થાનિકોએ આ રોડ યુદ્ધના ધોરણે મેટલિંગ કરી નવો બનાવવાની માંગ કરી છે.

આ પણ વાંચો: Junagadh: માંગરોળના હુસેનાબાદ પાસે નોળી નદીનો બ્રિજ અને રસ્તો ધોવાયો, હજારો વાહનચાલકો મુશ્કેલીમાં